ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું
લોકસભાની ચૂંટણી અગાઉ IPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આવશે તેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. તાજેતરમાં જ ગુજરાતમાં 35 IPS ઓફિસરના પ્રમોશન અને ટ્રાન્સફરના ઓર્ડર આવ્યા હતાં. ત્યારે હવે ફરીવાર 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે ફરીવાર બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં 12 IPS અધિકારીઓને તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
પાંચ સિનિયર IPSને પ્રમોશન આપવામાં આવ્યું છે
રાજ્ય સરકારે કરેલી બદલીમાં IPS નિરજ બડગુજર, ચૈતન્ય માંડલિક, ઉષા રાડા, ડો. લવિના સિંહા સહિતના અધિકારીઓની તાત્કાલિક અસરથી ટ્રાન્સફરનો ઓર્ડર કર્યો છે. ત્યારે જાણો કયા અધિકારીને ક્યાં મુકવામાં આવ્યાં છે. જેમાં શરદ સિંઘલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP બન્યાં છે. રાઘવેન્દ્ર વત્સની સુરત ક્રાઈમ બ્રાંચના JCP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે પાંચ સિનિયર IPSને પ્રમોશન આપવામાં આવ્યું છે.
14 એપ્રિલે 35 ઓફિસરોની બદલી કરાઈ હતી
ગુજરાત સહિત દેશમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે એ ગાળામાં રાજ્યના 35 IPSની બઢતી અને બદલીના ઓર્ડર નીકળ્યા છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર બઢતી અને બદલીના આ આદેશ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. હાલ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક, અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.