શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (14:02 IST)

ગોંડલમાં હરાજીમાં ભાવ નહીં મળતાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો, હાઈવે પર ડુંગળી ફેંકી સુત્રોચ્ચાર કર્યા

In Gondal, the farmers did not get the price in the auction
In Gondal, the farmers did not get the price in the auction
સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતાં ગોંડલ યાર્ડમાં ખેડૂતો રોષે ભરાયા હતાં. યાર્ડમાં આવેલા ખેડૂતોએ હાઇવે પર ડુંગળી નાંખીને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યાં હતા. ત્યારબાદ હાઇવે પર વાહનો રોકીને ચકાજામ કર્યો હતો. ગોંડલ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી શરૂ થઈ હતી પણ ભાવ ગગડી જતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત 10 તારીખે ડુંગળીની આવક બંધ કરી હતી. ત્યાર બાદ 13 તારીખે રાત્રે ડુંગળીની આવક શરૂ કરી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 13 તારીખે રાત્રે ડુંગળીના 80 હજાર કટ્ટાની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના ભાવ ના મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઇવે પર નાખી દીધી હતી. તમામ ખેડૂતો હાઇવે પર ઊતર્યા હતા. ત્યારબાદ હાઇવે પર વાહનો રોકીને ચકાજામ કર્યો હતો. એક ખેડૂતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ કે, શહેરોનાં બજારમાં ડુંગળી પ્રતિ કિલો રૂપિયા 50થી 60મા વેચાઈ રહી છે. જ્યારે ખેડૂતોને માત્ર 5થી 10 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. સરકારની ખોટી નીતિને કારણે દલાલો અને કમિશન એજન્ટો કમાઈ રહ્યા છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે, એકબાજુ સરકારે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા તો સરકારે નિકાસબંધી કરી દીધી. ​​​​​​​ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસ બંધ કરી હતી. વર્ષ 2021-22માં કઠોળના ભાવ સારા મળતા થયા તો સરકારે 1.5 લાખ મેટ્રિક ટન કઠોળની આયાત કરી હતી. વર્ષ 2020-21માં જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ સરકારે 5 લાખ મેટ્રિક ટન આયાત કરેલી ડુંગળી માર્કેટમાં મૂકી હતી.