રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (18:01 IST)

અમદાવાદમાં સાળાએ ધંધા માટે બનેવી પાસેથી 3 લાખ લીધા, 6.80 લાખ ચૂકવ્યા બાદ પણ બનેવીએ 13.75 લાખ માંગ્યા

ગુજરાતમાં હાલ વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે વિશેષ ડ્રાઈવ ચલાવીને પોલીસે 464 FIR દાખલ કરી છે. તે ઉપરાંત પોલીસે 316 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી સામે જાગૃતિ લાવવા માટે 939 લોકદરબારો યોજ્યા હતાં. વ્યાજખોરો પોલીસની કાર્યવાહીથી ફફડી ઉઠ્યાં છે. ત્યારે અમદાવાદમાં સગો બનેવીજ વ્યાજખોર નીકળતાં સાળાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે વેજલપુરમાં રહેતા મોહમ્મદઆદિલ શેખ ભાવનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે અને એડીબલ ઓઈલનો ધંધો કરે છે. તેમના પોતાના બનેવી જુબેરભાઈ શેખ જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે મોહમ્મદઆદિલ પાસેથી લઈ જતાં અને પાછા પણ આપી જતાં હતાં. ત્યારથી તેમની વચ્ચે નાણાંકિય સંબંધો બંધાયા હતાં.  
 
મોહમ્મદ આદિલને બે વર્ષ પહેલાં ધંધામાં પૈસાની જરૂર હોવાથી તેણે બનેવી પાસે ત્રણ લાખ રૂપિયાની મદદ માંગી હતી. આ દરમિયાન તેના બનેવીએ કહ્યું હતું કે, મારી પાસે મારા મિત્ર ઝાકિર પીરુભાઈ, રફીકખાન પઠાણના પૈસા પડ્યાં છે. તારે જોઈતા હોય તો હું આપું પણ તારે 10 ટકા વ્યાજ આપીને પૈસા પાછા આપવા પડશે. મોહમ્મદ આદિલને પૈસાની જરૂર હોવાથી તેણે સિક્યુરિટી પેટે ત્રણ ચેક આપીને ત્રણ લાખ લીધા હતાં. 
 
ત્યાર બાદ તે તેના બનેવીને 25 હજાર આપતો હતો અને આજદિન સુધી 6.80 લાખ રૂપિયા ચૂકવ્યાં છે. તે છતાંય તેનો બનેવી તેને કહેતો હતો કે તારે હજી બીજા પૈસા આપવા પડશે. તુ નહીં આપે તો હું અને મારા  મિત્રો તારા ચેક બેંકમાં જમા કરાવીને બાઉંસ કરાવી તને હેરાન કરીશું. ત્યાર બાદ મોહમ્મદ આદિલે મોભીઓને મોકલીને જમાઈને સમજાવ્યા હતાં. પરંતુ તે સમયે સગાઈ હોવાથી તે કશું બોલ્યો નહોતો. 
 
ત્યાર બાદ બનેવી અને તેના મિત્રોએ એક પછી એક ચેક બેંકમાં નાંખીને બાઉંસ કરાવ્યા હતાં અને કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ દરમિયાન મોહમ્મદ આદિલે કહ્યું હતું કે, મેં તમારા ત્રણ લાખની જગ્યાએ 6.80 લાખ રૂપિયા આપ્યા છે તો બીજા પૈસા કેમ માંગો છો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો તુ હવે 13.75 લાખ નહીં આપે ત્યાં સુધી તારી સાથે સમાધાન નહીં થાય. તેમ કરીને વધુ હેરાન કરવા માંડયા હતાં. જેથી મોહમ્મદ આદિલે કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.