અમદાવાદ: ટોરેન્ટ પાવરની ટીમ પર પથ્થરમારો
રાજ્યમાં છેલ્લાં એક-બે દિવસથી IT વિભાગનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદમાં પણ એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે સકંજો કસ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં ટોરેન્ટ પાવર દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં અમદાવાદના દરિયાપુર ખાતે ખાનગી વીજકંપનીના મેગા સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ ટીમ પર પથ્થરમારો થયો છે. જેમાં પોલીસકર્મીઓ સહિત સાત લોકો ઘાયલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસની ટીમને સાથે રાખીને વીજચોરી અને ગેરકાયદે કનેકશન ઝડપી પાડવા ગયા હતાં અને ગેરકાયદે વીજ કનેકશન ઝડપાયું હતું.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને થઇ હતી. તેની સાથે આ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે સર્ચ કરવા માટે તેમણે પોલીસની મદદ માંગી હતી. તેમજ મોટા પ્રમાણમાં વીજચોરીને પકડવા માટે ખાસ સર્ચ હાથ ધર્યુ હતુ.આજે સવારા દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ત્રણ જવાનને ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયા બાદ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે. કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.. તેમણે કહ્યું કે- વધારે પોલીસ આવી જતાં લોકોમાં ગેરસમજ ઉભી થઈ હતી.