રસીકરણને લઇને મહત્વપૂર્ણ નિર્ણય, આજથી ગુજરાતના 1 લાખ લોકોને મળશે રસી
મુખ્યમંત્રીએ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર 24 મે થી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં 18 થી 44 ની વય જૂથના યુવાઓનું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણ નો લાભ આપી કોરોના થી સુરક્ષિત રાખવાના આરોગ્ય રક્ષા ભાવ સાથે વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે.
વિજય રૂપાણીના યુવા આરોગ્ય હિતકારી આ નિર્ણયથી અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.
આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુચારુ અને સુઆયોજિત રીતે પાર પડે તે માટેનું આયોજન કર્યું છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિશા દર્શનમાં ગુજરાત દેશભરમાં પર મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર રહ્યું છે.
ફ્રંટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18 થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.