મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 મે 2023 (11:35 IST)

Cyclone Mocha : વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું શરૂં થશે?

cyclone
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સતત વરસાદ અને તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, હવે થોડા દિવસથી બળબળતી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. અધૂરામાં પૂરું વાતાવરણમાં આ ફેરફારની સાથે જ ભારત પાસે વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે.
બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં જ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું મોચા સર્જાઈ ગયું છે. જે ભારતના પાડોશી દેશો તરફ આગળ વધી રહ્યું છે.
 
ધ હિંદુ ડોટ કૉમના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ભારતના પાડોશી દેશો મ્યાનમાર અને બાંગ્લાદેશના કેટલાક ભાગો પર ત્રાટકશે. સાથે જ એવું પણ અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે કે મોચા વાવાઝોડાની તીવ્રતા અનુમાન કરતાં વધુ રહી શકે છે.
હાલ કરાયેલા વર્ગીકરણ પ્રમાણે તેને ‘અતિ તીવ્ર સાયક્લોનિક સ્ટૉર્મ’ની કૅટગરીમાં મૂકવામાં આવ્યું છે.
 
શુક્રવાર બપોર સુધી વાવાઝોડું પૉર્ટ બ્લેરથી 550 કિમી દૂર હતું, તેમજ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. અહેવાલો અનુસાર 14 મેના રોજ બપોરે વાવાઝોડુંબાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકિનારેથી પસાર થશે. નોંધનીય છે કે કોચીન યુનિવર્સિટીના એસટી રડાર સેન્ટરના તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું હતું કે અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાંની અસરને કારણે વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. ઉપરાંત કેટલીક વખતે સાયક્લોનિક પરિસ્થિતિના નિર્માણને કારણે ચોમાસું વહેલું પણ આવી શકે છે.
 
હવે પાછલા અમુક દિવસોમાં વાતાવરણમાં આવી રહેલા આ તીવ્ર ફેરફારોની ગુજરાતના ચોમાસા પર કેવી અસર પડશે એ અંગે કુતૂહલ સર્જાયું હતું.
 
વાવાઝોડાં કેવી રીતે ચોમાસા પર અસર કરે છે?
 
જૂનાગઢ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના ટેકનિકલ ઑફિસર ધીમંત વઘાસિયાએ વાવાઝોડાની સ્થિતિની ચોમાસાના આગમન પરની અસર અંગે વાત કરતાં કહે છે કે, “વાવાઝોડું સર્જાય ત્યારે વાતાવરણમાંથી ભેજ ખેંચાઈ જાય છે. જો વાવાઝોડું જમીનની નજીક પહોંચે તો ચોમાસું જલદી આવી શકે છે. પરંતુ જ્યારે વાવાઝોડું સર્જાય અને એ સમુદ્રમાં જ રહી જાય તો ફરી વાર સિસ્ટમ સર્જાતાં વાર લાગે છે, અને ચોમાસું ખેંચાઈ શકે છે.”
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કોચીન યુનિવર્સિટીના એસટી રડાર સેન્ટરના સંશોધકોના એક રિપોર્ટ અનુસાર પાછલાં કેટલાંક વર્ષોથી અરબ સાગરમાં સર્જાયેલાં વાવાઝોડાં ભારતનાં ચોમાસાંમાં વિઘ્ન સર્જ્યાં હતાં.
 
અહેવાલ અનુસાર અરબ સાગરમાં ચોમાસાની શરૂઆત પહેલાં વાવાઝોડાંની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો જ્યારે આ સમયે બંગાળની ખાડીમાં વાવાઝોડાંની સંખ્યામાં ઘટાડો થયો હતો. નવા અભ્યાસ અનુસાર અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં તેના કેન્દ્ર તરફ ભેજ ખેંચે છે, જેના પરિણામે પશ્ચિમ કાંઠે વરસાદ ઓછો પડ્યો છે.
 
ડાઉન ટુ અર્થના એક અહેવાલ અનુસાર ગત વર્ષે એપ્રિલ અને મે માસમાં અમુક મોટાં વાવાઝોડાં સર્જાયાં હતાં, જે પૈકી કેટલાંકે ચોમાસાના આગમનમાં વિઘ્ન સર્જ્યું હતું. જ્યારે કેટલાંક વાવાઝોડાંના કારણે સર્જાયેલ પરિસ્થિતિને કારણે ચોમાસું જલદી બેઠું હતું. ગત વર્ષે મે માસમાં સર્જાયેલા 'અસાની' વાવાઝોડા બાદ બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધતું અટક્યું પરંતુ કેરળમાં હવામાન વિભાગની આગાહી કરતાં બે દિવસ પહેલાં ચોમાસું બેઠું હતું.
 
ગત વર્ષે ચોમાસાના શરૂઆતના મહિનામાં વરસાદ પ્રમાણસર ઓછો પડ્યો હતો. જ્યારે વર્ષ 2021માં ચોમાસું બેઠું એ પહેલાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં. મેના બીજા અને ત્રીજા અઠવાડિયામાં 'તૉકતે' વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયું હતું. આ વાવાઝોડું દેશના પશ્ચિમ ભાગે ત્રાટક્યું, જેણે બંગાળની ખાડી આસપાસના વિસ્તારો સુધી ચોમાસાના આગમનને અસર કરી હતી. જ્યારે એ વર્ષે આવેલ બીજું વાવાઝોડું હતું 'યાસ'. એ મે માસમાં બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જોકે, આ વાવાઝોડાને કારણે બિહાર અને કેટલાક વિસ્તારોમાં ચોમાસું જલદી બેઠું હતું, તેમજ અમુક વિસ્તારોમાં પૂર પણ આવ્યું હતું.
 
ગુજરાતના ચોમાસા પર અસર થશે?
 
ધીમંત વઘાસિયાએ બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક ઍક્ટિવિટીની ગુજરાત સહિત ભારતના પશ્ચિમ ભાગમાં કોઈ અસર થશે કે કેમ એ અંગે કહેવાય રહ્યુ છે કે પૂર્વમાં સર્જાયેલા વાવાઝોડાની અસર ગુજરાત સહિત પશ્ચિમના ભાગો પર થશે એવું લાગી નથી રહ્યું. હાલ આ વાતની કોઈ સંભાવના નથી દેખાઈ રહી.”
 
ભારતીય હવામાન ખાતાના પુણેના હેડ સાયન્ટિસ્ટ કે. એસ. હોસાલીકરે પશ્ચિમ તરફ સર્જાયેલી સાયક્લોનિક ઍક્ટિવિટીની અસર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “હવામાન વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. આગામી દિવસોમાં વિભાગ ભારતના ચોમાસાની આગાહી અંગે માહિતી જાહેર કરશે.”