સાચું બોલવું ગુનો છે તો હું ખોટો છું, ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ જલદી નિર્ણય લે: હાર્દિક પટેલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું "પાર્ટી છોડી દઉ: હાર્દિક પટેલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે કહ્યું છે કે, જો સાચું બોલવું એ ગુનો છે તો મને ખોટો ગણજો.
હાર્દિક પટેલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે અને કોંગ્રેસ હાલ શાંત દેખાઈ રહી છે. હાર્દિક પટેલે ગુરુવારે કહ્યું હતું કે, જો સાચું બોલવું ગુનો હોય તો મને દોષી ગણજો. ગુજરાતની જનતાને અમારી પાસેથી આશા છે. આપણે તેમની અપેક્ષાઓ પ્રમાણે જીવવું પડશે. પક્ષમાં નાના-મોટા ઝઘડા થશે, આક્ષેપ-પ્રતિઆક્ષેપ થશે પણ ગુજરાતને વધુ સારું બનાવવા માટે આપણે એક થઈને કામ કરવું પડશે.
ગુજરાત એકમના કાર્યકારી પ્રમુખે કહ્યું- "જેટલું જલદી થઇ શકે એટલો જલદી નિર્ણય લેવા જોઈએ. મેં અત્યાર સુધી કોંગ્રેસને મારું 100% આપ્યું છે, અને આવનારા દિવસોમાં પણ આપીશ. અમે ગુજરાતમાં વધુ સારું કરીશું."
આ પહેલાં, હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીનું રાજ્ય નેતૃત્વ તેમને હેરાન કરી રહ્યું છે અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે તેઓ "પાર્ટી છોડી દે. અમને આ સ્થિતિ વિશે ઘણી વખત જાણ કરવામાં આવી છે, પરંતુ દુઃખની વાત છે કે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સરકારની નિષ્ફળતા માટે આંતરિક જૂથવાદ અને અન્ય પક્ષો સાથેના સ્થાનિક કોંગ્રેસના નેતાઓનું "ગુપ્ત ગઠબંધન" જવાબદાર છે.
હાર્દિક પટેલે એવો પણ દાવો કર્યો હતો કે 2017માં એટલું જોરદાર વાતાવરણ હતું, પરંતુ યોગ્ય ઉમેદવારોની પસંદગી ન થવાને કારણે સરકાર બની શકી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા હાર્દિક પટેલે પાર્ટીના રાજ્ય નેતૃત્વ સામે ખુલ્લેઆમ બળવો કર્યો છે. રાજ્યમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે.