રાજ્યમાં જો વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે તે પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળસંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે, નર્મદા ડેમમાં 18મી ઓગસ્ટની સ્થિતિએ 115.69 મીટરની સપાટીએ પાણી ભરેલું છે નર્મદા ડેમમાં હાલ 3.49 મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે તેવા સંજોગો ઉભા થઈ રહ્યા છે.
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળ સંકટ ઉભું થવાની દહેશત છે. ત્યારે સરકારે પણ 56 ડેમોમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઉભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત ગુજરાતની જીવાદોરી કહેવાતા નર્મદા ડેમમાંથી પણ રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં જ સિંચાઈ માટે પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 18મી ઓગસ્ટની સ્થિતિએ 115.69 મીટરની સપાટીએ પાણી ભરેલું છે, જેમાંથી 3.49 મિલિયન એકર ફૂટ (એમએએફ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે, જ્યારે વાપરી શકાય તેટલું પાણી 0.55 એમએએફ એટલે 11 ટકા જ છે. તેથી અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે તેવા સંજોગો છે.
ગંભીર જળસંકટની સ્થિતિ
રાજ્યમાં જો વધુ પાંચ દિવસ વરસાદ ખેંચાશે તો નર્મદામાંથી જે ડેમોમાં પાણી છોડવામાં આવે છે તે પાણી પણ બંધ થઈ જશે અને ગંભીર જળસંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશમાં અત્યારે હાઇડ્રો વીજળી ઉત્પન્ન થઈ રહી હોઈ 17 મી ઓગસ્ટની સ્થિતિએ નર્મદા ડેમમાં 12 હજાર 412 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, એટલે સામે નર્મદા ડેમમાંથી 15 હજાર 200થી 15 હજાર 792 ક્યૂસેક સુધી કેનાલો દ્વારા પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગોને અપાતું 125 ક્યૂસેક પાણી બંધ થવું જોઈએ.ખેડૂતોનું કહેવું છે કે, સરકારે પ્રથમ અગ્રતા પીવાનાં પાણીને અને દ્વિતીય અગ્રતા સિંચાઈના પાણીને આપવી જોઈએ અને જરૃર પડયે ઉદ્યોગોને અપાતું પાણી સદંતર બંધ કરીને ખેતી બચાવવા ફાળવવું જોઈએ.
સિંચાઈ માટે 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી
હાલની સ્થિતિમાં રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. આમાં ઉત્તર ગુજરાતને 2 હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને 12 હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને 2500 એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને 20 હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. 9.5 લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે.
ઉભા પાકને બચાવવા 39 જળાશયોમાંથી પાણી મળશે
દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને 4 લાખ 69 હજાર 300 એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલ છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વીયરમાંથી પાણી આપવામાં આવી રહયું છે. આમ ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ઉભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રના 36 ડેમોમાં બે મહિના જેટલુ પીવાનું પાણી
સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1 લાખ 48 હજાર 200 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-3, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-2, આજી-3 અને ન્યારી-2 ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે. મોરબી જિલ્લાના બ્રાહ્મણી-1, ડેમી-1 ઘોડાધ્રોઇ અને ડેમી-2 ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે.પોરબંદર જિલ્લાના સોરઠી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-2 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
21 ઓગસ્ટ સુધી છુટો છવાયો વરસાદ
ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. હવામાન વિભાગે 17 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ થવાની આગાહી છે. ત્યારે કેન્દ્રના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. 17 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરી છે.