આ ગામમાં જો કોઈ દારૂ પીશે તો તેનો સામાજિક બહિષ્કાર થશે, નિયમ તોડ્યો તો 11 હજાર દંડ
મહાદેવીયા ગામના ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
અગાઉ થરાદની ડોડગામ ગ્રામ પંચાયતે પણ ગામમાં દારૂ અને ગુટખા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે
પાલનપુર
હવે ગામડાં પણ દારૂની બદી સામે જાગૃત થઈ રહ્યાં છે પરંતુ શહેરોની હાલત વધુ ખરાબ થઈ રહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં દારૂ બંધીનો કડક અમલ કરવાનું ગ્રામજનોએ નક્કી કર્યું છે. ડિસા તાલુકાના મહાદેવીયા ગામે દારૂબંધીનો કડક અમલ કરાવવા ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી છે.ગ્રામજનો દ્વારા ગામમાં કોઈ વ્યક્તિ દારૂ વેચે કે પીવે તો સામાજીક બહિષ્કાર થશે તેવું નક્કી કરાયું છે.તેમજ નિયમનો ભંગ કરનાર પાસેથી 11 હજારનો દંડ વસુલાશે. ગામમાં લગ્ન અને ધાર્મિક પ્રસંગ સિવાય ડીજે વગાડનારને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. ગ્રામજનોએ ડીસા તાલુકા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
તમાકુ વેચનારને 11 હજારનો દંડ ફટકારાશે
તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ડોડગામ ગ્રામ પંચાયતે ગામમાં દારૂ અને ગુટખા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી ગામમાં દારૂ અને ગુટખાનું વેચાણ કરનાર દંડને પાત્ર થશે. ગામમાં દારૂ વેચનારને 51 હજાર અને દારૂ લઈ જતાં પકડાય તો 5100 રૂપિયાનો દંડ થશે. તે ઉપરાંત ગુટખા અને તમાકુ વેચનારને 11 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમ ગૌશાળામાં અપાશે. જેનાથી પશુઓને ઘાસચારો મળી રહે.
ફેશનેબલ દાઢી રાખી તો 51 હજારનો દંડ
ધાનેરાના આંજણા ચૌધરી સમાજે પણ વ્યસન સામે લાલ આંખ કરી છે. આ સમાજે મરણ પ્રસંગમાં અફીણ બંધ કરવાનું નક્કી કર્યું છે જે ચાલુ રાખશે તેને એક લાખનો દંડ ફટકારવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત યુવાનો ફેશનેબલ દાઢી રાખે એ સમાજને ન શોભે તેથી દાઢી રાખવી જોઈએ નહીં. બેઠકમાં દાઢી રાખનારા આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન હવેથી દાઢી રાખશે નહીં. જો રાખશે તો તેને 51 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.