રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર , શુક્રવાર, 16 જૂન 2023 (15:29 IST)

વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી અને પશુ સહાયની વ્યવસ્થા કરાશે, CMએ સૂચના આપી

cm patel
વાવાઝોડાથી 4600થી વધુ ગામમાં વીજળી ડૂલ થઈ હતી, હવે 3580 ગામોમાં ફરી શરૂ કરી દેવાઈ
 
20 કાચા, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ ધરાશાયી, જ્યારે 474 જેટલા કાચા અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન
 
 ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. SEOC ખાતે મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સાંજે ગુજરાતને ઓળંગશે, ત્યારબાદ ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 
 
ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી
રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતાં.મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી. વાવાઝોડાના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વેહલામાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવા પણ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું.
 
અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્થિક નુકશાન
આલોક પાંડેએ કહ્યું હતું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્થિક નુકશાન છે. વાવાઝોડાના પરિણામે રાજ્યમાં 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ વૃક્ષોને હટાવીને 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે, જ્યારે 3 રસ્તામાં નુકશાન થયું હોવાથી તેને પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી 3580 જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. PGVCLની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ બાકીના ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે.પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે.