ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 20 દિવસની દીકરીના માથે હાથ મુકીને કહ્યું, કિશનને હું ઝડપથી ન્યાય અપાવીશ
અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે આજે મૃતક યુવકની પ્રાર્થના સભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતાં.
તેમણે મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયાં હતાં. તેમણે પરિવારની મહિલાઓની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને ખાતરી આપી હતી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે.તેમણે પ્રાર્થના સભા બાદ પરિવારના સભ્યોની હાજરીમાં કહ્યું હતું કે, કિશન પર હૂમલો થયો એ સામાન્ય હૂમલો નથી.
રાજ્ય સરકાર અને ખાસ કરીને અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ઘટના બનતાની સાથે જ અલગ અલગ ટીમો બનાવવામા આવી. આ ટીમો એ રાત દિવસ એક કરીને કિશનના હત્યારાને પકડી લીધો છે. માત્ર હત્યારા જ નહીં પરંતુ એની પાછળ જેટલી શક્તિ લાગેલી છે એ તમામ લોકોને 24 જ કલાકમાં અલગ અલગ ખૂણેથી પકડી પાડવામાં આવ્યાં છે. મને લાગ્યુ કે આ કેસનું નીરિક્ષણ મારે પોતે જ કરવું છે. આ કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે.
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાની ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલમાં રાજ્યમંત્રી પોતે મૃતક યુવકના પરિજનોને મળવા પહોંચ્યા છે. તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ચચણા પહોંચ્યા છે.
હર્ષ સંઘવીએ મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. હાલમાં પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા અને VHPના ગુજરાતના અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ પહોંચી ગયાં છે. આ દરમિયાન હર્ષ સંઘવીએ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધૂકા મૃતકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મીટિંગ કરી હતી. મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહિ પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન એળે ના જાય એ માટે યુવાન અમર રહે એવા નારા લગાવાયા હતા. ધંધૂકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, એનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.