સુરતમાં હિટ એંડ રન - પાલ RTO નજીક બાઈક સવાર પિતરાઈ ભાઈઓને કારે અડફેટે લેતા પાલિકા અધિકારીના પુત્રનુ મોત
સુરતમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈઓને કાર ચાલકે અડફેટે લેતા પાલિકા અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતરાઈ ભાઈ ઘવાતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નિપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં પણ ઘટનાના 60 કલાક બાદ પણ પોલીસ કાર ચાલકને પકડી શકી નથી.
મંગળવારની રાત્રે બનેલી આ ઘટનામાં જરીવાળા પરિવારનો એકનો એક પુત્ર કાળનો કોળિયો બન્યો હતો. શોકમાં ગરકાવ પિતાએ જણાવ્યું હતું કે CCTVમાં કારનો કલર અને સંજીવકુમાર ઓડિટોરિયમ તરફ જતી કાર દેખાય છે. પાંડેસરા માતા-દીકરીના રેપ વિથ મર્ડર કેસને 56 સેકન્ડના CCTVમાં આરોપીની કારની ઓળખ કરી આરોપીને ફાંસીની સજા અપાવનાર સુરત પોલીસ મારા દીકરાને ભરજવાનીમાં મોતની ચાદર ઓઢાડનારને સજા અપાવે એ જ એક માત્ર માગણી કરી રહ્યા છે.પાલ અડાજણ શારદા રો-હાઉસ ખાતે રહેતા 28 વર્ષીય ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. ભાવેશના પિતા પાલિકાના ઉધના ઝોનમાં અધિકારી છે. જ્યારે માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવે છે. પ્રમોદભાઈ જરીવાલા (મૃતક ભાવેશના પિતા) એ જણાવ્યું હતું કે, 28 વર્ષના પુત્રને હૃદય પર પથ્થર મૂકી કાંધ આપી છે. જેના લગ્નના સ્વપ્ન જોતા હતા એ હવે એક સ્વપ્ન જ બની ગયું, ખબર નહીં વિધાતા આટલો બધો નિષ્ઠુર કઈ રીતે બની શકે. હજી હૃદય માનવા તૈયાર નથી કે ભાવેશ પરિવારને જ નહીં દુનિયા છોડી ગયો છે. સવાર અને સાંજ પડે એટલે મોઢામાંથી એકવાર તો ભાવેશ આવ્યો કે નહીં એ નીકળી જ જાય છે. પરિવાર એમના જ આંસુઓમાં ડૂબી રહ્યો છે. છોકરો તો અમે ગુમાવ્યો છે કાર ચાલકનું ક્યાં કંઈ ગયું છે પણ અમે એને સજા અપાવીશું, ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવીશું.વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા કિમથી આવેલા પિતરાઈ ભાઈ સાથે ઘરકામનો થાક ઉતારવા ભાવેશ બાઇક લઈ ફરવા નીકળ્યા હતો. અમને ક્યાં ખબર હતી કે આ એની છેલ્લી સફર રહેશે. પાલ અન્નપૂર્ણ મંદિર નજીક વળાંકમાં જ એક બેફામ દોડતી કારે બાઇકને અડફેટે લેતા પાછળ બેસેલો ભાવેશ હવામાં ફગોળાઈ ગયો હતો. બાઇક ચાલક અક્ષય જમીન પર પછડાયો હતો અને ભાવેશનું ઘટના સ્થળે જ માથાની ઇજાને લઈ મોત નીપજ્યું હતું. જ્યારે અક્ષયને સામાન્ય ઇજા બાદ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.