રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (07:14 IST)

મુન્દ્રા પોર્ટ પર આવેલા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો, અફઘાનિસ્તાનથી ઈરાન થઈ ગુજરાત ડ્રગ્સ પહોંચ્યાનો ખુલાસો

કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર બે શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરાતા કરોડો રૂપિયાના હેરોઈનનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. તપાસ એજન્સી દ્વારા આ મામલે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે વાયા ઈરાન બંદરથી આવેલા જહાજમાં નશીલા પદાર્થની ખેપ હોવાના સંકેત ગાંધીધામ ડીઆરઆઈ વિભાગને મળ્યા હતા. શંકાના આધારે ડીઆરઆઈએ કરેલી તપાસમાં માલસામાનમાં માદક દ્રવ્યો હતા, જે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન માર્ગે ભારતમાં સપ્લાય કરવામાં આવી રહ્યા હતા.

ઇનપુટ્સના આધારે, એજન્સીએ બે કન્ટેનરને અટકાવ્યા હતા. 'ઇન્ટર સિડની' નામના જહાજમાંથી DRI દ્વારા કબ્જે લેવાયેલા કન્ટેનરના પદાર્થની ખરાઈ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની હાજરીમાં કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી. એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર નિષ્ણાતોએ સામગ્રીની તપાસ કરી અને હેરોઇનની હાજરીની પુષ્ટિ કરી હતી. DRIની તપાસ દરમ્યાન પ્રથમ કન્ટેનરમાંથી 1,999.58 કિલો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે બીજા કન્ટેનરમાં 988.64 કિલો સામગ્રી મળી આવી હતી, જે કુલ 2,988.22 કિલોગ્રામ હતી. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.ચકચારી ડ્રગ્સકાંડ સામે આવતાજ ગુજરાતના અમદાવાદ, ગાંધીધામ અને માંડવીની સાથે દેશના દિલ્હી, ચેન્નઈ સહિતના સ્થળોએ ગુપ્તચર એજન્સી દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે. જેમાં સંખ્યાબંધ વ્યક્તિઓ અને સંસ્થાઓની તપાસ પણ ચાલી રહી છે. અત્યાર સુધી હાથ ધરાયેલી તપાસમાં અફઘાન નાગરિકોની સંડોવણી પણ બહાર આવી છે.

DRI સાથેની અન્ય તપાસ એજન્સી દ્વારા ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી લેવાયા બાદ વહેલી સવારે ભુજની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરી પાલારા જેલ હવાલે કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. શનિવારે રાત્રિના સમયે પણ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠામાંથી 250 કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો પણ ઈરાનથી જ ગુજરાતમાં લાવવામા આવી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી.