બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:39 IST)

વારસાની ઉજવણીનાં 10 વર્ષ, 'વોટર ફેસ્ટીવલ'માં રેલાશે સંગીતના સૂર

પ્રસિધ્ધ ભરતનાટ્યમ અને લોકનૃત્ય કલાકાર બિરવા કુરેશી લોકોને સ્મારકોનો પુનઃપરિચય કરાવવા માટે સંગીત મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. બિરવા કુરેશી તેમના આ ફેસ્ટીવલ્સના 10મા વર્ષમાં બે કાર્યક્રમો યોજી રહ્યા છે. જેની ખૂબ જ રાહ જોવાઈ રહી છે તેવા આ કાર્યક્રમમાં બુધવારે સંખ્યાબંધ પ્રસિધ્ધ કલાકારો હાજરી આપશે.
 
બિરવા કુરેશી જણાવે છે કે ''ક્રાફ્ટ ઓફ આર્ટની ભવ્ય મજલ આ વર્ષે વિશેષ સિમાચિહ્નરૂપ છે અને અમે આ વર્ષે અમદાવાદ અને જૂનાગઢમાં બે સંગીત મહોત્સવ યોજવાની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. સંગીત ક્ષેત્રના ઉંચા દરજ્જાના કલાકારો આ મહોત્સવમાં પર્ફોર્મન્સ આપશે. આ પ્રસંગે ક્લાસીકલ જાઝ, કવ્વાલી અને કેરાલા ટેમ્પલ ડ્રમ રજૂ કરાશે.''
અડાલજની વાવ ખાતે યોજાનારા વોટર ફેસ્ટીવલમાં પ્રસિધ્ધ તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી શ્રોતાઓને તેમના તબલાંના તાલે મંત્રમુગ્ધ કરી મૂકશે. પ્રસિધ્ધ ભારતીય જાઝ પિયાનિસ્ટ લૂઈઝ બેંક્સ કે જેમને ઈન્ડિયન જાઝના ગોડફાધર ગણવામાં આવે છે તે તથા જાઝ અને ભારતીય શાસ્ત્રીય સંગીત વચ્ચે સેતુનું કામ કરી રહેલા નિષ્ણાત સેક્સોફોનિસ્ટ અને ઉત્કૃષ્ટ કમ્પોઝર જ્યોર્જ બ્રુક્સ પણ પર્ફોર્મન્સ આપશે. કિરાના ઘરાનાના આનંદ ભાટે તેમની ગાયકી દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. પ્રસિધ્ધ વાંસળી વાદક રાકેશ ચોરસીયા  અને બાસ પ્લેટર શેલ્ડન ડી' સિલ્વા ગિટારની ક્લાસિકલ કૃતિઓ રજૂ કરશે.
 
સંગીતના ચાહકોને પ્રસિધ્ધ સંગીતકાર અને ડ્રમર જીનો બેંક્સના પર્ફોર્મન્સનો પણ લાભ મળશે. આ  ઉપરાંત 'ડ્રમ્સ ઓફ કેરાલા' કાર્યક્રમમાં 9 ડ્રમ વડે સંગીત પિરસાશે. ફિલ્મ અને રંગમંચના કલાકાર ડેન્ઝીલ સ્મીથ આ સમારંભનું સંચાલન કરશે.
 
બિરવા કુરેશી જણાવે છે કે ''વોટર ફેસ્ટીવલમાં શ્રોતાઓને મધુર સંગીતની વચ્ચે અડાલજની સુંદર વાવની ભવ્યતાનો અનુભવ પ્રાપ્ત થશે.'' મહાબત મકબરા ખાતે જૂનાગઢ હેરિટેજ ફેસ્ટીવલ સમારંભમાં પ્રસિધ્ધ કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂકશે. આ સમારંભમાં જે કલાકારો સામેલ થવાના છે તેમાં સરોદવાદક અયાન અલી બંગશ અને કવ્વાલીના પ્રણેતા નિઝામી બંધુ કવ્વાલ રજૂ થશે. આ સમારંભનું સંચાલન ગુજરાતી ભાષાના કવિ, ગીત લેખક અને ગઝલકાર મિલિન્દ ગઢવી કરશે.
 
ક્રાફ્ટ ઓફ આર્ટ ફેસ્ટીવલનો પ્રારંભ વર્ષ 2010માં થયો હતો અને તેની મારફતે વિવિધ સ્મારકોનો લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને પુનઃપરિચય કરાવવાની શરૂઆત થઈ હતી. આ સમારંભ મારફતે સ્મારકો અને કલા વારસાથી દૂર થતી જતી સામાન્ય જનતા અને યુવા પેઢીને જોડવાના પ્રયાસ કરાઈ રહ્યો છે.
 
છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં 19 સંગીત મહોત્સવ યોજીને આ પ્રયાસને સબળ બનાવવામાં આવ્યો છે. ક્રાફ્ટ ઓફ આર્ટ સ્મારકોને લોકો સમક્ષ લઈ જઈ રહ્યું છે, જેથી લોકો ગુણવત્તાસભર વિષયબધ્ધ સંગીતને માણે અને સ્મારકોની કલાકારીગરી, સૌંદર્ય અને ભવ્યતાનો પરિચય કેળવે.