નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ, નદીની જેમ પાણી વહેતા થયા
રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. આજે ભાવનગર, રાજકોટ, વંથલી, પાટણ, અમરેલી સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે.સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 35 થી 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. નખત્રાણાની બજારમાં ધમસમસતા પાણી જોઈ વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.
બજારમાં રહેલા લોકો સહિસલામત સ્થળે રવાના થઈ ગયા
નખત્રાણા નગરમાં ભારે વરસાદ ખાબકી પડતા નગરની મુખ્ય બજારમાંથી જાણે નદી વહી નીકળી હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા. બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ સતત દોઢ કલાક સુધી અવિરત રહેતા નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ ખાબકી પડતા નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ પર વોકડો વહી નીકળતા બન્ને તરફ વાહનોની રફતાર થંભી ગઈ હતી. વરસાદના આકરા તેવર જાણી બજારમાં રહેલા લોકો સહિસલામત સ્થળે રવાના થઈ ગયા હતા.
અમદાવાદમાં વાદળ બંધાય છે છતાં પણ વરસાદ વરસતો નથી
મધ્ય ગુજરાત પર સરક્યુલેશન સક્રિય બન્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પણ આજે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ તથા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ યલો તથા ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પડેલા સામાન્ય વરસાદમાં સંજાણ બ્રિજ પાસે વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો.આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરની આસપાસના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ તથા યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં વાદળ બંધાય છે છતાં પણ વરસાદ વરસતો નથી.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
સાઈક્લોનિક સરક્યુલેશનનું મૂવમેન્ટ થશે ત્યારે અમદાવાદમાં પણ આ વર્ષે વરસાદ સારી માત્રામાં વરસી શકે છે. આ ઉપરાંત આગામી થોડા દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘો મહેરબાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે, 35થી 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આગામી ચોથા અને પાંચમા દિવસે પણ ગુજરાતના ઉત્તરી અને દક્ષિણી દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.