બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર હોર્ડિંગ અને બોર્ડ ઉડ્યા
ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી અને ચેતવણીની માહિતી આપી છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી છે. અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ ઉભુ થયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વચ્ચે ગઈકાલે સાંજ બાદ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થયું છે.
સોમવારે દિવસે ગરમી અને બાફ બાદ રાત્રે અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો અને તીવ્રતા સાથે વાવાઝોડું ફુંકાયું હતું. ત્યારબાદ ગાજવીજ અને વીજળી અને વરસાદ વરસ્યો હતો. એક તરફ ભારે પવન બીજી તરફ ગાજવીજ અને વીજળીઓ સાથે વરસાદને લઈને વીજળી ડુલ થઇ ગઈ હતી. તો મધરાતે કેટલાક વિસ્તારમાં વીજળી આવી હતી. વાવાઝોડાને લઈને ધૂળની ડમરીઓ લોકો પરેશાન થયા હતા. વાવઝોડાનો ફૂકાતો પવનનો અવાજ ડરામણો લાગતો હતો. વાવઝોડાને લઈને હિંમતનગરમાં ઠેર ઠેર હોર્ડિંગ અને બોર્ડ પડી ગયેલા જોવા મળ્યા હતા. તો હિંમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશન આગળ લગાવેલા વિશાળ બોર્ડ તૂટીને રોડ પર પડ્યું હતું. તો બી ડીવીઝન પોલીસ સ્ટેશનનું બોર્ડ પણ રોડ પર પડ્યું હતું. તો હિંમતનગર એસટી સ્ટેન્ડમાં પણ લગાવેલ હોર્ડિંગ પણ તૂટી ગયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવી ગયો અને પાલનપુર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તામા નદી વહેતી હોય તેવો માહોલ થઈ ગયો. સૌરાષ્ટ્રમાં 13 જૂને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતનાં દરિયાકાંઠે 13 થી 14 જૂન સુધી વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ આગળ વધી શકે છે. આ દરમિયાન દરિયાકાંઠે 50થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભવાનાઓ છે. આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.