હરિદ્વારના હરિહર આશ્રમમાં મોરારીબાપુ ગાશે "માનસ હરિદ્વાર"
પૂજ્ય મોરારીબાપુએ ૨૮ માર્ચે વૃંદાવન ખાતે "માનસ વૃંદાવન" શિર્ષક અંતર્ગત કથાગાન પૂર્ણ કર્યું. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન - વૃંદાવનમાંકાલિન્દી તટે, વૈષ્ણવોનાં પૂર્ણ કુંભનું સમાપન થયેલું અને હરિદ્વારમાં ગંગા તટે પ્રતિ દ્વાદશ વર્ષે યોજાતા પૂર્ણ કુંભનો પ્રારંભ થયેલો. તલગાજરડી વ્યાસપીઠ, સનાતન હિન્દુ ધર્મ પરંપરાના પાવન ધામ-ભગવાન કૃષ્ણની મધુર લીલા ભૂમિમાંથી હવે ગંગાદ્વારે હરિ અને હર સુધી પહોંચવા માટેના પ્રવેશ દ્વાર એવા પતીત પાવન તીર્થમાં પહોંચી રહી છે.
હરિદ્વારના કનખલ સ્થિત હરિહર આશ્રમમાં કથા ગાન થવાનું છે. ઇમ તો હરિદ્વારમાં અનેક મઠ, મંદિર અને આશ્રમ છે. પરંતુ ૧૩ અખાડા દ્વારા સંચાલિત ધર્મ સ્થાનોને જ "આશ્રમ" નો દરજ્જો મળે છે. કનખલમાં, ગંગા કિનારે આવેલો હરિહર આશ્રમ - "પંચ દશાનન જુના અખાડા" દ્વારા સંચાલિત છે. જ્યાં ૩/૪/૨૦૨૧ થી પૂજ્ય બાપુ કથા ગાનનો આરંભ કરનાર છે. હરિદ્વારના સૌથી જુના આશ્રમો પૈકીના એક એવા હરિહર આશ્રમમાં ત્રણ દર્શનીય સ્થળ છે - મૃત્યુંજય મહાદેવ મંદિર, પારદેશ્વર મંદિર અને રૂદ્રાક્ષનું ઐતિહાસિક એવું વિશાળ વૃક્ષ,જેને "સિદ્ધિદાતા વૃક્ષ" પણ કહે છે.
આશ્રમના ગાદીપતિ આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજ અહીં બિરાજે છે. મહરાજહિન્દુ ધર્મ ગુરુ, આધ્યાત્મિક સંત, દાર્શનિક, લેખક અને કથાકાર છે. તેઓ જુના અખાડાના મહા મંડલેશ્વર છે. જુનો અખાડો નાગાસાધુઓનો સૌથી જુનું સ્થાન છે. અવધેશાનંદગિરિજી મહારાજ એમના પ્રથમ ગુરુ ગણાય છે, જેમણે દસ લાખ જેટલા નાગાસાધુઓને દીક્ષા આપી છે. એમના સંચલન તળે ત્રણ મુખ્ય મંદિર છે-મૃતયુંજય મહાદેવ મંદિર, હરિહર આશ્રમ અને ભારત માતા મંદિર.
અવધેશા નંદગિરિજી પૂજ્ય મોરારી બાપુ તરફ પ્રેમાદર ધરાવે છે. એમના આનુરોધથી પૂજ્ય બાપુ અહીં કથા ગાન માટે પધારી રહ્યા છે.
કુંભના પવિત્ર પર્વના દિવસો દરમિયાન "માનસ હરિદ્વાર" નો શ્રવણ લાભ પ્રાપ્ત કરવા માટે પૂજ્ય બાપૂની વૈશ્વિક વ્યાસપીઠના કરોડો શ્રોતાઓ આતુર છે.
કોરોનાનો આતંક વધતો જાય છે, એવા સમયે તમામ શ્રોતાઓએ ટીવીના માઘ્યમથી કથા શ્રવણ કરવા માટે બાપુએ સહુને અનુરોધ કર્યો છે. આયોજક અને યજમાને પણ કથા શ્રવણ માટે રૂબરૂ આવનાર કોઈને પણ નિવાસ વ્યવસ્થા આપવા અસમર્થતા દર્શાવી છે. ઉપરાંત પ્રશાસને પણ કડક અનુશાસન લાદ્યું છે.
મર્યાદિત સંખ્યામાં આમંત્રિત શ્રોતાઓએ પણ તાજેતરનો કોરોના નેગેટિવ રિપોર્ટ અને ઓળખ કાર્ડ સિવાય કથા મંડપમાં પ્રવેશવાનું નથી. પૂજ્ય બાપુએ જણાવ્યું છે કે વ્યાસપીઠને સહુના સ્વાસ્થ્યની ચિંતા છે. માટે ઘેર બેઠા જ કથા સાંભળવી અને કોરોના સામે પુરી સાવધાની રાખવી.