સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (15:48 IST)

હાર્દિક પટેલની ધરપકડ સામે તેની પત્નીએ ટ્વિટ કર્યું મારો પતિ સિંહ છે જેલથી ડરતો નથી

18 જાન્યુઆરીની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતા માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. હાર્દિક પટેલની સતત અલગ અલગ કેસમાં ધરપકડનો સિલસિલો ચાલુ રહેતા અકળાયેલી હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે ટ્વિટર દ્વારા સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે. જેમાં તેણીએ હાર્દિક પટેલને સિંહ ગણાવ્યો છે અને ભાજપ સરકાર પર આરોપો મુક્યા છે. કિંજલ પટેલે ટ્વિટ કર્યું છે કે, સિંહ છે તે, તે કોઈ ધરપકડથી કે જેલથી ડરતો નથી અને આજે કેદ છે કારણ કે તેની ત્રાડથી રાજનીતિ ડરેલી છે.એક બીજા ટ્વિટમાં કિંજલ પટેલ લખે છે, ગુજરાતમાં હાર્દિક કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યો હોવાથી ભાજપ સરકાર હાર્દિક પર ખોટા કેસ કરી રહી છે અને વારંવાર તેની ધરપકડ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપને માત્ર હાર્દિકથી તકલીફ છે.