બિનસચિવાલય પરીક્ષા વિવાદમાં સ્થળ પર પહોંચેલા હાર્દિક પટેલનો વિરોધ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરનાં રોજ બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા લેવાઇ હતી. ઉમેદવારોએ આ પરીક્ષામાં અનેક પ્રકારની ગેરરીતિ થઇ હોવાની સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સાથે ઉમેદવારોએ સરકારને ગેરરીતિનાં પુરાવાઓ પણ આપ્યાં હતાં. આ મામલામાં આજે બીજા દિવસે ઉમેદવારોનાં યુવા ચહેરા યુવરાજસિંહ જાડેજા અને હાર્દિકે સરકારનાં પ્રતિનીધિ સાથે મંત્રણા કરી હતી. ઉમેદવારોનાં આગેવાન યુવરાજસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું કે, 'અમે સરકારને કહ્યું છે કે આ મામાલાને તપાસવા માટે એસઆઈટીની બનાવવામાં આવે. જેમાં એક સભ્ય ઉમેદવારો તરફથી રહેશે. આ કમિટિમાં કોઇપણ રાજકીય નેતા ન હોવા જોઇએ. આઈપીએસ, આઈએએસ કક્ષાનાં અધિકારી હોવા જોઇએ જેથી આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય.' અમારી પાસે પરીક્ષામાં ગેરરીતિનાં નક્કર પુરાવા છે એટલે આ કમિટિ તપાસમાં પરીક્ષા રદ થશે તેવો અમને વિશ્વાસ છે. પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે ધરણાં ચાલુ જ રાખીશું.' ઉમેદવારોનાં આગેવાન હાર્દિકે કહ્યું કે, 'અમે પાંચ મુદ્દાઓ કલેક્ટરને આપ્યાં છે. જેમાં એસઆઈટી બનાવવાની માંગ છે. જેમાં પહેલી અમારી માંગ છે કે આ કમિટિમાં ગૌણસેવાનાં ચેરમેન નહીં હોય. અમારા તરફથી યુવરાજસિંહ જાડેજા હશે જ્યારે આઇપીએસ, આઇએએસ કક્ષાનાં અધિકારીઓ રહેશે. તપાસ નિષ્પક્ષ થવી જોઇએ.' આજે ગાંધીનગરમાં જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે રાજકરણીઓ પણ જાણે પોતાનો રાજકીય રોટલો શેકવા આવી રહ્યાં છે. આજે સવારે એનસીપીનાં નેતા શંકરસિંહ વાઘેલા ઉમેદવારોને મળવા ગયા હતાં. જ્યારે હાલ બપોરે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા અને હાર્દિક પટેલ પણ ઉમેદવારોને મળવા પહોંચ્યાં હતાં. ત્યારે આ યુવાનોએ હાર્દિક પટેલને કાળા વાવટા બતાવ્યાં હતાં. ટોળાઓએ 'હાર્દિક ગો બેકનાં નારા પણ લગાવ્યાં હતાં.'