ગુજકેટનું પરિણામ 21મી ઓગસ્ટે જાહેર થઈ શકે છે, બોર્ડે પરીક્ષાની આન્સર કી સાઈટ પર મૂકી
ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ આપેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ 21 ઓગસ્ટની આસપાસ જાહેર થશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સવલત માટે જેટલું બની શકે તેટલું જલદી પરિણામ જાહેર કરવાની તૈયારી શરૂ કરી છે. આ સાથે જ બોર્ડે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર મૂકી છે, જેના પરથી વિદ્યાર્થીઓ પોતાના જવાબોને આધારે ગુણની ગણતરી કરશે. આન્સર કી અંગે જો કોઇ વિદ્યાર્થીની રજૂઆત હોય તો પ્રતિ ક્વેરી પ્રમાણે 500 રૂપિયાની ફી ભરીને પોતાની માહિતી બોર્ડને ઇ-મેઇલ કરી શકશે. જો વિદ્યાર્થીની રજૂઆત યોગ્ય હશે તો ભરેલી ફી પરત મળશે. વિદ્યાર્થીએ જેટલી રજૂઆત કરી હશે તે તમામ રજૂઆતો પ્રમાણે ફી ભરવાની રહેશે, ઉપરાંત બોર્ડ આપેલી આન્સર કીનો જવાબ અને વિદ્યાર્થીએ પોતે રજૂ કરતા જવાબના આધારો શું છે તેની માહિતી પણ આપવાની રહેશે. પરિક્ષા 6 ઓગસ્ટે લેવામાં આવી હતી.