ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 29 જૂન 2020 (14:18 IST)

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટે કોકડું ગૂંચવાયુ:નિમણૂક ક્યારે થશે?

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે 6 મહિના પહેલા સર્ચ કમિટી રચી દીધી છે પરંતુ કોરોના વચ્ચે ગુજરાત યુનિ.ના કુલપતિનું કોકડું ગુંચવાયુ છે.કાયમી કુલપતિની ટર્મ પુરી થયાને પણ દોઢ મહિનો થવા આવ્યો છતાં પણ હજુ નવા કાયમી કુલપતિ સરકારે ન નિમતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે. રાજ્યની સૌથી મોટી અને જુની તેમજ હવે દેશની ટોપ 50માંની રાજ્યની એક માત્ર એવી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિ.ના કાયમી કુલપતિને લઈને આ વખતે કંઈક નવા જ રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. એક કાંકરે ત્રણ પક્ષી મારવાની વેતરણમા સરકારે  અગાઉના કુલપતિની તીવ્ર ઈચ્છા અને સારા કામો વચ્ચે પણ ટર્મ રીપિટ ન કરી તેમજ ઉપકુલપતિની કુલપતિ પદે બેસવાની ઈચ્છા પુરી કરી અને નવા કુલપતિ માટે હવે કોઈને ખુશ કરાશે. ગુજરાત યુનિ.ના અગાઉના કુલપતિ હિમાંશુ પંડયાની ટર્મ 16મે પુરી થઈ અને તેના ચાર મહિના પહેલા જ સરકારે સર્ચ કમિટી નીમી ત્યારે એવુ લાગતુ હતુ કે હિમાંશુ પંડયાને જ રીપિટ કરાશે પરંતુ સ્ટુડન્ટ સેનેટ ચૂંટણી અને ભાજપના જ કેટલાક સભ્યોની નારાજગીએ ટર્મ રીપિટ ન થવા દીધી. જો કે યુનિ.નુ નેશનલ રેન્કિંગમા ટોપ 50માં આવવુ અને અન્ય કામોથીં માંડી રાજકીય પીઠબળ હિમાંશુ પંડયાને ફરીથી ટર્મ કદાચ અપાવી શકે પરંતુ સરકાર જે રીતે નિમણૂંકમાં મોડુ કરી રહી છે તે જોતા શક્યતા ઓછી લાગી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ યુનિ. સંલગ્ન કોલેજના જ એક સીનિયર મહિલા પ્રોફેસર અને યુનિ.માં આગળ પડતા મહિલા સભ્યનું નામ પણ કુલપતિ માટે ચર્ચાઈ રહ્યુ છે. દરમિયાન રીપિટેશન માટે પણ પ્રયત્નો ચાલુ છે અને આ વખતની નિમણૂંકમાં સંગઠનની ભૂમિકા પણ મહત્ત્વની બનશે. મહત્વનું છે કે ગુજરાત યુનિ.માં પરીક્ષા,મેરિટ બેઝ પરિણામો અને નવા પ્રવેશ તેમજ નેક ઈન્સપેકશન સહિતના મહત્વના કામો વચ્ચે કામયી કુલપતિ નથી અને હાલના ઈન્ચાર્જ કુલપતિ થોડા ઢીલા પડી રહ્યા છે ત્યારે સરકારે તાકીદે કાયમી કુલપતિ નીમવા પડે તેમ છે.