રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (12:18 IST)

અમદાવાદ મહાનગર પાલિકાના શાસકોએ છેલ્લા પાંચ વર્ષમાં વાહન ખરીદી, ઉજવણીઓ અને નાસ્તાઓ પાછળ 50 કરોડનો ખર્ચ કર્યો

હોદ્દેદારોના બંગલા અને ઓફિસના રિનોવેશન પાછળ પાંચ વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચો, મેયરના બંગલાના રીનોવેશનનો એક કરોડ ખર્ચ
કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ સહિતની વિવિધ ઉજવણી પાછળ 30 કરોડનો અધધ ખર્ચ કરવામાં આવ્યો
 
 
અમદાવાદ મહાનગર પાલિકામાં છેલ્લા પાંચ વર્ષની ટર્મ દરમિયાન શાસકોએ વાહનોની ખરીદી, ઉજવણીઓ અને ચા- નાસ્તાઓ પાછળ 50 કરોડનો ખર્ચો કર્યો છે. 2015માં અમદાવાદ મહાનગર પાલિકા ભાજપે કબજે કરી હતી. ત્યારે બાદ એક વર્ષના સમયગાળામાં મેયર માટે નવી ગાડીની ખરીદી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તમામ હોદ્દોદારો, અધિકારીઓ અને આસિસ્ટન્ટ કમિશ્નર સુધીના તમામ અધિકારીઓ માટે 30થી વધુ નવી ગાડીઓની ખરીદી કરવામાં આવી હતી. 
પાંચ વર્ષમાં વાહનોની ખરીદી પાછળ ત્રણ કરોડનો ખર્ચ
અમદાવાદ મહાનગર પાલિકામાં 2015માં ભાજપ સત્તા પર આવ્યું. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં મહાનગર પાલિકામાં મેયરથી માંડીને દંડક સહિતના હોદ્દોદારો માટે પાંચ જેટલી ઈનોવા કારની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો માટે સ્કોર્પિયો કારની ખરીદી કરવામાં આવી હતી. કોર્પોરેશનમાં નવા વાહનોની ખરીદી પાછળ જ અઢીથી ત્રણ કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો. 
ઓફિસ અને બંગલાના રીનોવેશન પાછળ પાંચ કરોડનો ખર્ચ
મહાનગર પાલિકામાં મેયર સહિત હોદ્દેદારોના બંગલા અને ઓફિસના રિનોવેશન પાછળ પાંચ વર્ષમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ ખર્ચમાં અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નરના બંગલા પાછળ બે કરોડ, મેયરના બંગલામાં એક કરોડનો અધધ ખર્ચ કરવામાં આવ્યો હતો.
ઉજવણીઓ પાછળ 30 કરોડ ખર્ચાયા
છેલ્લા પાંચ વર્ષ પૈકી ચાર વર્ષમાં કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ સહિતની વિવિધ ઉજવણી પાછળ 30 કરોડનો અધધ ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે દર વર્ષે ફોટોગ્રાફી, આંમત્રણ પત્રિકા સહિત અન્ય સાહિત્ય પાછળ 1 કરોડનો ખર્ચ કરાયો છે. આ સિવાય મ્યુનિ.ના મેયર, ડે. મેયર, પક્ષના નેતા, દંડક સહિતના હોદ્દેદારોનું ચા-નાસ્તાના બિલ પાછળ 50 લાખ જેટલો ખર્ચ કરાય છે. પાંચ વર્ષમાં તેની પાછળ પણ અઢી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.