રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 નવેમ્બર 2019 (15:08 IST)

કેવડીયા પરિવહન દરમ્યાન દસ જેટલા હરણ, ચિતા, કાળીયાર, સાંબર જેવા પ્રાણીના મોત

દેશના પ્રવાસનધામ તરીકે ઉપસી આવેલા કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવીનતમ સફારી પાર્ક ખુલ્લુ મુકાવાનું છે. પરંતુ તે શરૂ થાય તે પુર્વે જ વન્ય પ્રાણીઓ જીવ ગુમાવવા માંડયા છે. દેશ-વિદેશના 1500 જાતિના વન્ય પ્રાણીઓ સફારી પાર્ક માટે લાવવામાં આવી રહ્યા છે. પરંતુ પરિવહન દરમ્યાન જ હરણ, ચિતલ, સાંબર જેવા પ્રાણીઓના મોત થયાનું બહાર આવ્યુ છે.
માહિતગાર સૂત્રોએ એમ કહ્યું કે પરિવહન દરમ્યાન યોગ્ય કાળજી નહીં લેવાતા વન્ય જીવો ભોગ બની રહ્યા છે. અત્યાર સુધીમાં 10 જેટલા પ્રાણીઓના મોત થયા છે. જો કે, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડાયરેકટર રાજીવ ગુપ્તાએ બે-ચાર પ્રાણી-ઓના જ મોત થયા હોવાનો દાવો કર્યો છે.
સૂત્રોએ એમ કહ્યું છે કે બે પ્રાણીના તો પરિવહન દરમ્યાન જ મોત થયા હતા જયારે અન્યોને કેવડીયામાં લવાયા બાદ ભોગ લેવાયો છે. અત્યાર સુધીમાં કાળીયાર, સાંબર, ચિતલ જેવા પ્રાણીઓ ભોગ બન્યા છે. કાળીયાર વન્ય જીવ સંરક્ષણ કાયદા હેઠળ શિડયુલ-વનની શ્રેણીમાં આવે છે. બેકાળજી-બેદરકારીને કારણે વન્ય જીવોનો ભોગ લેવાયાના આક્ષેપ સાથે સૂત્રોએ એમ કહ્યું કે તેઓને યોગ્ય ભોજન આપ્યુ ન હતું અને યોગ્ય સ્થળ અપાયા ન હતા.
દક્ષિણ આફ્રિકા થી ઝીબ્રા, જીરાફ, ઈમ્પાલા, વાઈલ્ડબીરટ તથા આરીપ લાવવામાં આવ્યા છે તેને અલગ રાખવામાં આવ્યા છે. વનવિભાગના સૂત્રોએ કહ્યું કે વન્ય પ્રાણીઓના પરિવહન વખતે યોગ્ય કાળજી પ્રક્રિયા કરવાની હોય છે. વડાપ્રધાનની મુલાકાત પુર્વે પ્રાણીઓને પહોંચાડવાની સૂચના હતી એટલે અનેક નિયમોનું પાલન થયુ ન હતું.
સરદાર સરોવર નિગમના મેનેજીંગ ડાયરેકટર રાજીવ ગુપ્તાએ જો કે આક્ષેપ નકારી કાઢયા હતા. બે-ચાર પ્રાણીઓના જ મોત થયાનો દાવો કર્યો છે. વિશ્ર્વના જુદા-જુદા ભાગોમાંથી 186 જાતિના પક્ષી તથા 1500 પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. કેટલાક દક્ષિણ આફ્રિકાથી લવાયા છે. કેટલાક લેટિન અમેરિકા તથા અન્ય દેશોમાંથી મેળવાયા છે. પશુ-પક્ષીઓની શારીરિક ચકાસણી પૂર્ણ થયા બાદ સફારી પાર્ક ખુલ્લો મુકાશે.