સુરત: પીપોદરા જીઆઇડીસીમાં લાગી આગા, 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે
સુરત: સુરતમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. માંગરોળ પીપોદરા જીઆઇડીસીમાં આવેલી ઓઇલ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગી હોવાનું જાણ થતા જ ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. ત્યારે આ ઘટનાને પગલે કંપનીનો માલિક ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ ઘટનાને પગલે પાલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના માંગરોળના ભમ્ભોર ગામની હદમાં આવેલી કેમિકલ વેસ્ટમાંથી ઓઇલ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં કંપનીના કેમિકલ દ્રવ્યમાં ધડાકા થવાથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ 5 ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી ગયા હતા અને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
જો કે, આગ પર કાબુ મેળવ્યા બાદ કુલિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે કંપનીનો માલીક સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. જ્યારે કંપની નજીક વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી તે પણ બળીને ખાખ થઇ ગયું હતું. જેના કારણે વીજ વાયર તૂટી પડ્યા હતો.
જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની થયાના સમાચાર હજી સુધી મળ્યા નથી. ત્યારે ઘટનાની જાણ થતા પલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કયા કારણોસર આગ લાગી તેમજ કંપની માલિકને ક્યા ગયો સહિતની કાર્યવાહી હાથ ધરી છે.