Gujarat Weather Today: ગુજરાતમાં ઠંડી વધી રહી છે, પારો ગગડી રહ્યો છે; જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોની સ્થિતિ
Gujarat Weather Today:- હવે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે.
અમદાવાદમાં પણ લઘુત્તમ પારો 18.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. સાથે જ મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાતા શહેરમાં ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ સુધી આવું જ વાતાવરણ જોવા મળી શકે છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે, દરમિયાન ગત રાત્રે તાપમાનનો પારો 15.0 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. સાથે જ શહેરવાસીઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે.
તાપમાન શું હતું
છેલ્લા પાંચ દિવસથી ઠંડીનું જોર દિનપ્રતિદિન વધી રહ્યું હતું અને તાપમાનનો પારો 20.0 ડિગ્રીથી ઘટીને 17.0 ડિગ્રીએ પહોંચતા રાત્રે ઠંડીનો અહેસાસ થયો હતો, જેમાં આજે સવારે નજીવા વધારા સાથે લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી નોંધાયું હતું. આવી સ્થિતિમાં શહેરવાસીઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.