સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (13:19 IST)

એક જ દિવસમાં ૩ લાખથી વધુ લોકોનું રસીકરણ, 15 ઓગસ્ટ સુધીમાં ૪ કરોડથી વધુ વેકસીનના ડોઝ અપાયા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૪ કરોડથી વધુ વેકસીનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૦૩ લાખ ૨૨ હજાર ૯૪૪ લોકોને પ્રથમ ડોઝ અને ૯૭ લાખ ૩૮ હજાર ૭૬૪ લોકોને બીજો ડોઝ એમ સમગ્રતયા ૪,૦૧,૬૧,૭૦૮ ડોઝ દ્વારા લોકોનું વેકસીનેશન થયું છે. રવિવારે તા.૧પમી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં ૩.૭૩ લાખથી વધુ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. 
 
સમગ્ર રાજયમાં તા.૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ ૬.૨૩ લાખ હેલ્થકેર વર્કરને પ્રથમ ડોઝ તેમજ પ.૨૧ લાખ હેલ્થકેર વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
 
સમગ્ર દેશમાં ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩.૪૩ લાખ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા ૧૦.૫૬ લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.ત્યારબાદ ૧ લી માર્ચ-૨૦૨૧ના રોજથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
 
તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ ૧.૩૫ કરોડ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૭૧.૧૭ લાખ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. ૧ મે-૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લા માં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. ૪ થી જુન-૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે. 
 
અત્યાર સુધીમાં આ વય જુથના ૧.૪૮ કરોડ પ્રથમ ડોઝ અને ૧૦.૪૩ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આમ, સમગ્રતયા તા. ૧૫.૦૮.૨૦૨૧ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના  ૩,૦૩,૨૨,૯૪૪ લોકોને પ્રથમ ડોઝ તથા ૯૭,૩૮,૭૬૪ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.