નર્મદા ડેમ નિહાળવા માટે હવે માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે, સ્ટેચ્યુને જોડતાં રસ્તા ધોવાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ નર્મદા બંધની 5 રૂપિયાની ટિકિટની પ્રથા બંધ કરી દેવામાં આવી હતી. અને 120 ની ટિકિટ ફરજિયાત થઇ હતી જે હવે હટાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને જિલ્લા કલેક્ટરે હાલ માત્ર 50 રૂપિયાની ટિકિટ કરી દીધી છે જેથી પ્રવાસીઓને રાહત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર 2006માં નર્મદા બંધને પ્રવાસન સ્થળ જાહેર કરતા પ્રવાસીઓ ને નર્મદા બંધ જોવા માટે વ્યક્તિ દીઠ 5 રૂપિયા ટિકિટ રાખવામાં આવી હતી જેમાં બાઈકને 50, કારને 100 અને બસ ને 200 રૂપિયા ચૂકવવાના હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 31 ઓક્ટોબર 2018થી નર્મદા બંધની ટિકિટ હટી ને સ્ટેચ્યુની ટિકિટ આવી જેમાં 120 નોર્મલ ટિકિટ અને 380 રૂપિયા સંપૂર્ણ ટિકિટ આવી સ્ટેચ્યુ અંદરના જોવું હોય તો પણ દરેક પ્રવાસીઓએ 120 તો ફરજિયાત ખર્ચવા પડતા હતા. જેમાં પ્રવાસીઓને મનદુઃખ રહેતું હતું. જોકે અત્યાર સુધી 19 લાખ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે ત્યારે આગામી સીઝન માટે હવે નર્મદા બંધ અને સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશ માટે માત્ર 50 રૂપિયા ચૂકવવા ના રહેશે જેમાં 30 રૂપિયા બસ ટિકિટ એટલે પ્રતિ વ્યક્તિને માત્ર 20 રૂપિયામાં સ્ટેચ્યુ બહારથી, ફ્લાવર ઓફ વેલી અને નર્મદા ડેમ ગ્લાસ કેબીનથી ડેમ જોઈ કેનાલ માર્ગે બહાર નીકળી જશે. આમ પ્રવાસીઓએ એ આ ટિકિટના ભાવથી રાહત મળી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડાતો ફોરલેન રસ્તો પ્રથમ વરસાદ વેઠી શક્યો નથી. સ્ટેચ્યુને જોડતો ફોરલેન રોડ ડભોઇ થી રાજપીપલા અને રાજપીપલા થી ગરુડેશ્વર કેવડિયા, જયારે બીજી બાજુ ડભોઇ થી તિલકવાડા-દેવલિયાથી ગરુડેશ્વર અને કેવડિયા સુધીના માર્ગો અંદાજે 430 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ત્યારે પહેલાં વરસાદમાં જ ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે તેમજ નવા બનેલા બ્રિજના નાળાના કેટલાક ભાગો બેસી ગયા છે. ત્યારે આ રસ્તાની સાઈડ પર અને નીચે પાયાના ભાગોમાં પણ ધોવાણ થતા જેની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ મુલદથી રાજપીપળા સુધી માર્ગો પણ અત્યંત બિસ્માર બન્યો છે. જેમાં રાજપારડી પાસેથી ભુંડવા ખાડીના પુલ પર અસંખ્ય ખાડાઓ પડી ગયાં છે. રોડ પરના મસમોટા ખાડાઓને કારણે રાત્રીના અંધારામાં અકસ્માત સર્જાવાની ભિતી સેવાઇ રહી છે.