દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકીની લાશને ચીરીને ભૂવાએ તાંત્રિક વિધી કરી
પંચમહાલ જિલ્લાના સરસવા ગામે સ્મશાનમાં દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકી પર તાંત્રીક વિધી કરવા માટે ભૂવાએ તેની લાશ ચીરીને ટૂકડા કરી દીધા હોવાનો કિસ્સો બન્યો હતો. ભૂવાના આ કરતૂતોની મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓએ આ મામલે પોલીસ મથકમાં ફરીયાદ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ભૂવાની શોધખોળ શરૂ કરી. સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રણછોડ રાઠવાના પરિવારજનોને જાણ થતાં તેઓએ સ્મશાનમાં પહોંચીને તપાસ કરતાં અમરસીંગ ફતાભાઇ રાઠવા નામના ભૂવા દ્વારા આ તાંત્રીક વિધી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી જેથી તેઓએ આ ઘટના અંગેની રાજગઢ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરીને આ ભૂવાની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. પોલીસે અમરસીંગ રાઠવાની સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી હતી..રણછોડ રાઠવાએ જણાવ્યુ હતુ કે, અમરસીગ રાઠવા નામના આ ભૂવાએ ભૂતકાળમાં આ પ્રકારના અનેક કરતૂતો કરેલા છે. તેની સામે અમારા સમાજમાં કોઇ બોલી શકતુ નથી. અમને જ્યારે સ્મશાનની આસપાસના ખેડૂતોએ ટેલીફોન કરીને જાણ કરી અમે પણ ચોંકી ગયા હતા. સ્થળ પર જઇને ચકાસણી કર્યા બાદ અમે આ અંગેની પોલીસને ફરીયાદ કરી હતી