સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (14:37 IST)

ભગવાન વિષ્ણનો કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર અધિકારીને સરકારની નોટિસ

પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર હોવાનો દાવો કરનારા સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર રમેશચંદ્ર ફેફરને સરકારે નોટિસ ફટકારી છે. પોતાના અટપટા નિવેદનોથી ચર્ચામાં આવનારા મૂળે રાજકોટના રમેશચંદ્ર ફેફર વડોદરા સ્થિત પુનઃ વસવાટ એજન્સીમાં ફરજ બજાવે છે.છેલ્લા ૮ મહિનાના સમયગાળામાં માત્ર ૧૬ દિવસ નોકરી પર હાજર રહેનારા રમેશચંદ્ર ફેફરને ઉપરી અધિકારીઓએ શો કોઝ નોટિસ ફટકારી હતી.રમેશચંદ્ર ફેફરે તેના જવાબમાં જણાવ્યું હતું કે હું તો ભગવાન વિષ્ણનો દસમો અવતાર છું.મારે મારી કંટાળાજનક નોકરીમાં સમય પસાર કરવાનો હોય કે દેશને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાંથી બચાવવા માટે ઘરે બેસીને મેડિટેશન કરવાનુ હોય? ફેફરે પોતાના જવાબમાં પોતે જગદંબા માતાના પરમ ભક્ત હોવાનો અને મારી ભક્તિના કારણે જ ગુજરાતમાં દુષ્કાળ નહી પડયો હોવાનો પણ દાવો કર્યો હતો. રમેશચંદ્રના આ પ્રકારના જવાબથી સ્તબ્ધ થઈ ગયેલા સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશ્નર(પશ્ચિમ) દ્વારા આ અંગે સરકારને જાણ કરવામાં આવી હતી.સૂત્રોનુ કહેવુ છે કે રમેશચંદ્ર ફેફરને હવે સરકારે નોટિસ ફટકારીને બેજવાબદાર વર્તણૂંક અંગે ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે.સરકાર દ્વારા આ અધિકારી જે જવાબ મોકલશે તેના આધારે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.