સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2018 (13:13 IST)

પતંગ ચગાવનાર સામે ગુનો નોંધાયાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

પતંગના દોરાને કારણે 5 વર્ષની બાળકીનું મોત થવાની ઘટનામાં ખટોદરા પોલીસે જાતે ફરિયાદી બનીને પતંગ ચગાવનાર અજાણ્યા વિરુધ્ધ ગુનો નોંધ્યો છે અને મોતને ભેટનાર બાળકીના પિતાને પણ બેદરકારી દાખવવા બદલ આરોપી બનાવ્યા છે. એક ધારદાર માંજાને કારણે ફૂલ જેવી માસુમ બાળકીનો જીવ ગયો હોવાની ઘટના સુરતમાં બની છે. 5 વર્ષની બાળકી કારના સનરૂફમાંથી શહેરનો નજારો માણી રહી હતી. ત્યારે એક જીવલેણ માંજો તેના ગળાના જમણા ભાગને ચીરીને સરી ગયો હતો, પણ આ ધારદાર માંજાને કારણે બાળકીની રક્તવાહીની કપાઇ જતા 4 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. ઉત્તરાયણના તહેવારમાં દર વર્ષે અનેક લોકો મોતને ભેટવાના અને ઇજાગ્રસ્ત થવાના અનેક બનાવ બનતા રહે છે. લગભગ 800થી વધુ પક્ષીઓના ગળા વેતરાઇ જાય છે. એક સપ્તાહ પહેલા ઉત્તરાયણની મજા માણનારે એક સાવ નિર્દોષ બાળકીનો ભોગ લીધો છે. પરિવારમાં સૌથી નાની બાળકીનું અચાનક મોત થવાને કારણે પરિવારજનો હેબતાઇ ગયા છે. મહુવાના હથુરણ ગામમાં રહેતા યુનુસભાઇ કરોડિયા 31 ડિસેમ્બરે સુરતમાં શોપિંગ કરવા માટે આવ્યા હતા. પરત ફરતી વખતે તેમની 5 વર્ષની પુત્રી ફાતિમા સનરૂફ પર ઉભી હતી. યુનુસભાઇની કાર ઉધના ફ્લાયઓવર બ્રીજ પરથી પસાર થઇ રહી હતી ત્યારે એક ધારદાર માંજો વચ્ચે આવી ગયો હતો અને તેને કારણે ફાતિમાનો ગાલ ચિરાઇ ગયો હતો. ઉંડો ઘા હોવાને કારણે ફાતિમાના ગળામાંથી લોહી નીકળતું હતુ અને તેણી ઢળી પડી હતી. પિતા યુનુસભાઇએ ફાતિમાને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ચાર દિવસની સારવાર પછી તેણીનું મોત થયું હતું. ફાતિમાની સારવાર કરનાર ડો. સી.એચ. શર્માએ કહ્યું હતું કે ફાતિમાના ગળાના જમણા ભાગે 18 સેન્ટીમીટર જેટલો ચીરો પડી ગયો હતો. જેને કારણે રક્તવાહિની કપાઇ જતા લોહી ઘણું વહી ગયું હતું. આ ઘટનામાં ખટોદરા પોલીસ જાતે ફરિયાદી બની છે અને પંતગ ચગાવનાર અજાણ્યા વિરુધ્ધ ગુનો નોંધ્યો છે અને ફાતિમાના પિતા યુસુફભાઇ સામે પણ બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે.