શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 માર્ચ 2017 (15:08 IST)

ઉત્તર ગુજરાતના ખેડૂતોનું નવું સ્ટાર્ટઅપ, સોલારપંપથી ખેતી કરવાનો નવો કિમિયો

નર્મદા યોજનાની કેનાલો સરહદી ગામો સુધી પહોંચતાં પ્રગતિશીલ ખેડૂતો હવે અવનવા પ્રયોગો કરતા થયા છે અને સરકારના વિવિધ લાભો લઇને ખેતીક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના રાધનપુર તાલુકાના 20 ખેડૂતો આજે સોલારપંપથી ખેતી કરી રહ્યા છે. જેમાં રૂ.5 લાખની સિસ્ટમ સરકારની યોજના તળે માત્ર રૂ.25 હજારમાં મળે છે. સોલાર સિસ્ટમથી વીજ ખર્ચમાં થતી બચત ખેડૂતો માટે રાહતરૂપ બની છે. ગુજરાત સરકારની યોજના તળે વીજ કંપનીના માધ્યમથી પાંચ હોર્સ પાવરથી 10 હોર્સ પાવર સુધીની મોટર સાથે સોલાર સિસ્ટમ ફિટ આપવામાં આવે છે.

એક હોર્સ પાવરે માંડ પાંચ હજારનો ખર્ચ ખેડુતે કરવો પડે છે. જેમાં 20 પ્લોટો એક મોટર પાઇપ વાયર અને ઇલેકટ્રીક બોર્ડ સહિતની સુવિધા ઉપયોગ બને છે. જે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ફિટ કરી આપવામાં આવે છે. કામલપુર (ધરવડી)ના પ્રગતિશીલ ખેડૂત દઝાભાઇ ચૌધરી અને ગણેશભાઇ ચૌધરીએ પોતાના  ખેતરમાં આવા સોલર સિસ્ટમના 4 સેટ લગાવ્યા છે. કામલપુરના ખેડૂત પિયુષભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ, સોલાર સિસ્ટમથી 40 વીઘા જમીનમાં પાણી પહોંચે છે. આ સિસ્ટમથી ડ્રીપ ઇરીગેશનમાં 50 ફુવારા એકસાથે પાણી ખેંચી શકે છે.  તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી (ખેતી) વિનુભાઇ પટેલના જણાવ્યા મુજબ, સોલાર સિસ્ટમ લગાવવાથી ખેડૂતોને લાઇટની કોઇ ઝંઝટ રહેતી નથી. રાત્રે ઉજાગરા કરીને પાણી સીંચવું પડતું નથી. દિવસ દરમિયાન ખેડૂત પાણી સીંચી શકે છે. તાલુકામાં વીસેક ખેડૂતો સિસ્ટમ વાપરે છે અને બીજા 10 જેટલા ખેડૂતોની અરજીઓ મંજૂર કરાયેલી છે.