સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જૂન 2018 (11:28 IST)

ગુજરાતમાં ૨૬ જૂનથી ચોમાસું બેસવાની શક્યતા

અમદાવાદમાં દિવસ દરમિયાન ઉકળાટ અને આકરા તાપનું પ્રભુત્વ વધી ગયું છે અને ગરમીનો પારો ૪૧.૧ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં ૨૬ જૂનથી ચોમાસાનું આગમન થઇ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ૨૫ જૂને ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરેલી છે. ગુજરાતમાં ૨૧ જૂન સુધી મોસમનો સરેરાશ ૦.૧૯ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને જેની ગતિ કઇ તરફ જાય છે તેના પર ચોમાસાનો આધાર હોવાનું મનાય છે. આગામી ત્રણ થી ચાર દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું સક્રિય થઇને દેશના મોટાભાગના રાજ્યોને આવરી લેશે. અરબીસમુદ્ર વાળી સિસ્ટમ આગળ વધીને ૨૭ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી જશે. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન હોવાથી છૂટાછવાયા ઝાપટાં પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડશે. આગામી ૨૫ જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનું પ્રભુત્વ વધવા લાગે તેવી પૂરી સંભાવના છે. આજે અમદાવાદમાં ભેજનું પ્રમાણ ૭૧% નોંધાયું હતું અને આગામી ચાર દિવસમાં હવે ગરમીના પ્રમાણમાં પણ ઘટાડો થતો જશે. આજે અમદાવાદ ઉપરાંત સુરેન્દ્રનગર (૪૧.૫), ડીસા-વલ્લભવિદ્યાનગર (૪૧.૪), ગાંધીનગર (૪૦.૮), રાજકોટ (૪૦.૬), અમરેલી (૪૦.૪)માં ૪૦ ડિગ્રીથી વધારે સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.