ગુજરાતમાં હવે શાળાના વિદ્યાર્થીઓ કરશે દર્દીઓની સારવાર
ગુજરાતમાં એક્સપર્ટ ડોક્ટર્સની કમીના કારણે ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતી ઘણી જ ખરાબ છે. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એક અલગ પ્રકારનો ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે. રાજ્યભરમાં ‘બાળ ડોક્ટર્સ’ની મદદથી સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ કરવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાજ ભૂપતભાઈ કાંત(ઉં.વ.-11) નામની બાળ ડોક્ટર જે અરવલ્લી જિલ્લાના નવગામ સ્થિત સરકારી સ્કૂલમાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની છે,
તેને પ્રાઈમરી સ્કૂલમાં પાયલટ પ્રોજેક્ટ માટે નીમવામાં આવી છે.આ ડોક્ટર્સ પાસે સ્ટેથસ્કોપ હશે. આ સિવાય આયુર્વેદિક દવાઓ પણ હશે, જે તે પોતાના ક્લાસમેટ્સને આપી શકશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડોક્ટર્સને આયુર્વેદિક દવાઓનો સ્ટોક પૂરો પાડવામાં આવશે જેથી તે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યાથી છૂટકારો મેળવી શકે. દરેક પ્રાઈમરી સ્કૂલમાં એક બાળ ડોક્ટરની નિમણુક કરવામાં આવશે. આ માટે રાજ્ય શિક્ષણ વિભાગ અને સ્વાસ્થ્ય વિભાગ મળીને કામ કરશે આ સાથે જ દર અઠવાડિયે બુધવારના રોજ આયર્ન અને ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન પ્રોગ્રામનું સંચાલન કરશે. આ સિવાય વિદ્યાર્થીઓને સીઝનલ બીમારીઓ વિષે જાણકારી પણ આપશે.પ્રત્યેક બાળ ડોક્ટરને એપ્રન આપવામાં આવશે. આ સાથે ટોર્ચ અને એક આયુર્વેદિક દવાઓની કિટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વાસ્થ્યને લગતી બુકલેટ અને પોસ્ટર્સ પણ આપવામાં આવશે અને તેમને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે.સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા નિરીક્ષણ માટે એક નોડલ ટીચરની પણ નિમણુક કરવામાં આવશે. રાજ્યના હેલ્થ કમિશનર ડોક્ટર જયંતી રવિએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, અમે દરેક સ્કૂલમાં આ કોન્સેપ્ટ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આનાથી બાળકોને આગળ જઈને ડોક્ટર બનવાનું પ્રોત્સાહન પણ મળશે.