કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં "નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા" પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે આપણા બંધારણે કાયદો અને વ્યવસ્થાને રાજ્યોનો મુદ્દો બનાવ્યો છે અને તે યોગ્ય પણ છે. પરંતુ છેલ્લા ચાર દાયકામાં, એવા ઘણા ગુનાઓ વિવિધ પદ્ધતિઓ દ્વારા અસ્તિત્વમાં આવ્યા છે, જે માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રકૃતિના પણ છે, જેમ કે માદક દ્રવ્યોની દાણચોરી અને તેનો ફેલાવો. દેશની સરહદોની બીજી બાજુથી અને દેશની સરહદોની અંદરથી પણ આપણા દેશ પર આ અપરાધ થોપવામાં આવી રહ્યો છે, આંતરરાજ્ય ગેંગનાં માધ્યમથી આ ગુનો નાનાં શહેરો, ગામડાઓ અને નગરો સુધી પહોંચી ગયો છે અને આપણી યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય હોવા છતાં જો આપણી પાસે સરહદ પારની લડાઈ લડવાનો અભિગમ ન હોય તો આપણે તેને નિયંત્રિત કરી શકતા નથી, તેથી જ ભારત સરકાર, તમામ રાજ્યોની પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની તમામ એજન્સીઓ, આરોગ્ય વિભાગ અને સીમા, સમાજ કલ્યાણ, રાજસ્વ સુરક્ષાનું કામ કરતા તમામ સીએપીએફ, તટરક્ષક દળો અને નૌકા દળના વિસ્તૃત સમન્વય કરીને કોઈ નીતિ ન બનાવીએ તો આ સમસ્યાનો સંપૂર્ણ નાશ કરવો અશક્ય છે.
એટલે જ મોદીજીનાં નેતૃત્વમાં સમન્વય અને સહયોગના આધાર પર નાર્કોટિક્સ વિરુદ્ધ આપણી લડાઈને મજબૂત, પરિણામલક્ષી અને સફળ બનાવવાનો અભિગમ 2019થી લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રાદેશિક પરિષદો બાદ જિલ્લા કક્ષાના એન્કોર્ડની રચના થઈ છે, એફએસએલનો ઉપયોગ પણ વધ્યો છે, રાજ્યોની વડી અદાલતોમાં રાજ્ય વહીવટીતંત્ર દ્વારા સ્પેશિયલ અદાલતોની પરવાનગી માગવાની સંખ્યા પણ વધી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, એક તરફ નશીલા દ્રવ્યો આપણી યુવા પેઢીને ઉધઈની જેમ ખતમ કરી રહ્યાં છે અને બીજી તરફ નશીલા દ્રવ્યોના વેપારમાંથી મળતું ગેરકાયદેસર નાણું આતંકવાદને પણ પોષે છે. તેમણે જણાવ્યું હતું કે, દેશની યુવા પેઢીને સુરક્ષિત રાખવા અને આતંકવાદને મળતા ભંડોળને ગંભીર ફટકો પડે તે હેતુથી ભારત સરકારની તમામ એજન્સીઓ, રાજ્ય સરકારોની તમામ એજન્સીઓ અને પોલીસને આ લડાઈ સામૂહિક લડાઇ તરીકે, એક જુસ્સાથી લડવી પડશે અને જીતવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, "ભારતમાં આજે નશીલા દ્રવ્યો સામેની લડાઈ એક નાજુક અને નિર્ણાયક તબક્કે છે અને જો આપણે આ જ વ્યૂહરચના સાથે લડીશું તો આપણે જીતીશું, પરંતુ જો આપણે વિખેરાઇને તેને એક સામાન્ય ગુના તરીકે માનીને ચાલીએ તો ડ્રગ ઓપરેટરો જીતી જશે."
અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની આઝાદીનાં આ અમૃત મહોત્સવનાં વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નશામુક્ત ભારત'નું નિર્માણ કરવાનું જે લક્ષ્ય આપણી સમક્ષ રાખ્યું છે એમાં સફળતા હાંસલ કરવાની જ છે અને આ દિશામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારત સરકારની તમામ એજન્સીઓ એકજૂથ થઈને કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 દિવસ દરમિયાન 75,000 કિલો નશીલા દ્રવ્યોનો નાશ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં આ લક્ષ્ય સમય પહેલાં માત્ર 60 દિવસ પહેલા જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યું. તેમણે કહ્યું કે આજે આ ખાસ અભિયાનમાં એનસીબી દિલ્હી, એનસીબી અમદાવાદ અને ગુજરાત પોલીસ દ્વારા લગભગ 1864 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 65 હજાર કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સનો નાશ કરી દેવાયો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે, એનસીબી તમામ રાજ્યોની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે સંકલન કરીને માદક પદાર્થોની જપ્તી અને તેના નાશમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નશામુક્ત ભારતના સંકલ્પને સાર્થક બનાવી શકાય. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. અમિત શાહે માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રી મોદીનાં દિશાનિર્દેશો પર ગૃહ મંત્રાલયે તમામ નાર્કોટિક્સ પર લગામ કસવા સંસ્થાગત માળખાની મજબૂતી, તમામ નાર્કો એજન્સીઓનું સશક્તીકરણ અને સમન્વય અને વિસ્તૃત જાગૃતિ અભિયાનની ત્રિ સૂત્રી ફોર્મ્યુલા અપનાવી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં કામગીરી અસરકારક બનાવવા માટે મોદી સરકારે 'સંપૂર્ણ સરકારી અભિગમ' અંતર્ગત આંતર-વિભાગીય સંકલન પર સતત ભાર મૂક્યો છે, જેનાં ટૂંકા ગાળામાં સફળ પરિણામો દેખાઇ રહ્યાં છે અને તેનો પુરાવો છે વર્ષ 2014 પછી નશીલા દ્રવ્યોનું પકડાવું અને જપ્તી છે. દેશમાં ડ્રગ સપ્લાય નેટવર્કને નાબૂદ કરવાની વ્યૂહરચનાની સફળતા અહીં જોઈ શકાય છે:
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, માદક દ્રવ્યોનું સેવન કરનાર અપરાધી નથી હોતો, પરંતુ તે એક પીડિત હોય છે. તેમણે ટોપ-ટુ-બોટમ અને બોટમ-ટુ-ટોપ અભિગમ અપનાવતાં ડ્ગ્સનાં સ્ત્રોત અને ગંતવ્ય બંનેને ભેદીને તેનાં સમગ્ર નેટવર્કને વિખેરી નાંખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ગૃહ પ્રધાને કહ્યું કે દેશનાં પશ્ચિમી રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વિશાળ દરિયાકિનારો ધરાવે છે અને રાજસ્થાન અને ગુજરાતની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, દરિયાઈ માર્ગે દક્ષિણ મધ્ય એશિયાનાં હેરોઇનની દાણચોરીમાં વધારો થયો છે અને તેની સાથે સાથે ભારત-પાક સરહદ મારફતે હેરોઇનની દાણચોરીના વધતાં કિસ્સાઓ પણ ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી રાજ્યોમાં નશીલા દ્રવ્યોની તસ્કરીના મુખ્ય મુદ્દાઓમાં પશ્ચિમ કિનારેથી હેરોઇનની દરિયાઇ દાણચોરીમાં વધારો, માદક દ્રવ્યો એટલે કે અફીણ, ગાંજો અને ખસખસની ગેરકાયદેસર ખેતી, માદક દ્રવ્યોની દાણચોરીમાં કુરિયર અને પાર્સલનો ઉપયોગ અને ડાર્ક નેટ અને ક્રિપ્ટોકરન્સી દ્વારા ડ્રગ્સની દાણચોરીમાં વધારો સામેલ છે.
અમિત શાહે કહ્યું કે તાજેતરમાં જ કેસોની તપાસ દરમ્યાન પશ્ચિમી રાજ્યો સંબંધિત માદક પદાર્થોની દાણચોરીમાં નવું વલણ સામે આવ્યું છે અને આ નવી પ્રવૃત્તિઓ સામે કામ લેવા માટે આવશ્યક કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ તમામ પડકારો પાછળ આંતરરાષ્ટ્રીય સીમા, લાંબી દરિયાઇ સરહદ અને વિશેષ એનડીપીએસ કૉર્ટની અસંતોષજનક સ્થિતિ જેવાં પાયાનાં કારણો છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યોનાં પ્રસારને નિયંત્રણમાં લેવા માટે ચાર સ્તરીય રચના દ્વારા નાર્કોટિક્સ કોઓર્ડિનેશન (એન્કોર્ડ)નું પુનર્ગઠન કરવામાં આવ્યું છે –
ટોચની NCORD સમિતિ
કાર્યકારી સ્તરીય સમિતિ
રાજ્ય સ્તરીય સમિતિ-મુખ્ય સચિવની અધ્યક્ષતામાં –
જિલ્લા સ્તરીય સમિતિ–જિલ્લાધિકારીની અધ્યક્ષતામાં
તેમણે કહ્યું કે, એ જરૂરી છે કે NCORDની બેઠકો તમામ સ્તરે નિયમિત રીતે યોજાય, જેથી કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન થઈ શકે અને અસરકારક નીતિઓ તેમજ એક્શન પ્લાન તૈયાર કરી શકાય. આ અંતર્ગત ભારતીય નૌકાદળ, ભારતીય તટરક્ષક, ડ્રગ કન્ટ્રોલર જનરલ, નેશનલ મેરિટાઇમ સિક્યુરિટી કોઓર્ડિનેટર, એનટીઆરઓ, પોર્ટ ટ્રસ્ટ/ કોસ્ટલ પોલીસ અને રાજ્યોના મેરિટાઇમ બોર્ડના પ્રતિનિધિઓને આ સંકલન વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એનકોર્ડ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે જે ઓલ-ઇન-વન પોર્ટલ છે.
તેમણે જણાવ્યું હતું કે, એનસીબીએ આઇસીજેએસના સહયોગથી ધરપકડ કરાયેલા નાર્કો અપરાધીઓ પર નિદાન નામનું એક રાષ્ટ્રીય સંકલિત ડેટાબેઝ પોર્ટલ બનાવ્યું છે. પ્રાદેશિક એકમોમાં નાર્કો કે-9 નામનો રાષ્ટ્રીય કેનાઇન પૂલ ઊભો કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદમાં નાર્કો કે-9 ટીમો શરૂ કરવામાં આવશે. એની સાથે જ ડ્રગ કાયદાનાં અમલીકરણની તાલીમને સમાન બનાવવાના હેતુથી, એનસીબીએ એક કોર મોડ્યુલ અને પાંચ તાલીમ મોડ્યુલ વિકસાવ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમ વિસ્તારોમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પોલીસ આધુનિકીકરણ યોજનાનો સમાવેશ કરવા અને ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક્સની સહાય લેવા માટે અપગ્રેડ કરવામાં આવી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે 'નશામુક્ત ભારત અભિયાન' જેવાં વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે એનસીબીએ "ડ્રગ્સને ના કહો અને જીવનને હા" નામનું "ઇ-પ્રતિજ્ઞા" અભિયાન શરૂ કર્યું છે, જેમાં 30 લાખથી વધુ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2020થી એનસીબીએ PITNDPS કાયદા હેઠળ પશ્ચિમ વિસ્તારમાંથી મહેસૂલ વિભાગને ચાર દરખાસ્તો મોકલી છે. એનસીબીએ પશ્ચિમી રાજ્યો સાથે સંબંધિત છ કેસોની ઓળખ કરી છે, જેમાં આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય અસરો છે, જેની તપાસ એનસીબી દ્વારા કરવામાં આવી રહી છે. દેશનાં તમામ રાજ્યોમાં હાજરી માટે એનસીબીને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે.
આ અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં એનસીબીની સારી હાજરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, આ માટે એનસીબી ટૂંક સમયમાં રાયપુર અને જયપુરમાં પોતાની ઝોનલ ઓફિસ શરૂ કરવા જઈ રહી છે. આ કચેરીઓ હાલના કાર્યરત એકમ ઉપરાંતની રહેશે અને ગુજરાતના અમદાવાદ ખાતે એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સ્તરની નવી પ્રાદેશિક કચેરી સ્થાપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ડ્રગ્સનો ફેલાવો કેન્દ્ર કે રાજ્યનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રીય મુદ્દો છે અને તેના હેઠળનાં પ્રયાસો પણ રાષ્ટ્રીય જ હોવા જોઈએ. તેમણે પરિષદમાં ઉપસ્થિત તમામ રાજ્યોના પ્રતિનિધિઓને નશીલા દ્રવ્યોની દાણચોરી સામે અસરકારક પગલાં લેવા માટે તેમના રાજ્યોમાં એનકોર્ડ પોર્ટલ અને ડાયગ્નોસ્ટિક પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
અમિત શાહે એનડીપીએસ ધારાની વિવિધ જોગવાઈઓના કડક અમલ પર પણ ભાર મૂક્યો હતો. અમિત શાહે ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના કરવા વિચારણા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ડ્રગ સ્મગલર્સ અને સપ્લાયર્સના જેલ ટ્રાન્સફર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને સાથે જ જેલો પર નિયંત્રણ રાખવાની જરૂર છે, જેના માટે વધુમાં વધુ સુરક્ષા ધરાવતી જેલો પર વિચાર કરી શકાય છે.