અમદાવાદની મ્યુનિ. સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ફ્રી હેર કટિંગ કરી અપાશે, પહેલા દિવસે 122 વિદ્યાર્થીનું હેર કટિંગ થયું
-સરસપુર ગુજરાતી શાળા નંબર 7માં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વચ્છતાની થીમ પર ફ્રી હેર કટિંગ
AMC સ્કૂલ બોર્ડ દ્વારા આજથી નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં AMCની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા થીમ હેઠળ ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવશે. આજે પ્રથમ દિવસે 122 વિદ્યાર્થીઓને ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવ્યા હતા. અપ ટુ ડેટ હેરકટ નામની સંસ્થાને સાથે રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદની સરસપુરની મ્યુનિસિપલ સરસપુર ગુજરાતી શાળા નંબર 7માં આજે આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વચ્છતાની થીમને ધ્યાનમાં લઈને બાળકોના ફ્રીમાં હેર કટિંગ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આજથી શરૂ કરેલ અભિયાનમાં મેયર કિરીટ પરમાર, સ્કૂલ બોર્ડના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટર અને સ્કૂલ બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા.
AMC સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, અપ ટુ ડેટ હેરકેટ નામની સંસ્થાએ અમારો સંપર્ક કર્યો હતો અને આ અંગે ચર્ચા કરી હતી. જેથી અમે સ્કૂલોને પરિપત્ર કરીને હેર કટિંગ અંગે જાણ કરી, ત્યારે સરસપુરની સ્કૂલ દ્વારા અમને રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને અમે આજે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે 122 વિદ્યાર્થીઓના હેર કટિંગ કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓના વાલીની સંમિત મેળવીને જ હેર કટીંગ કરવામાં આવ્યા છે. જે સ્કૂલમાંથી રજુઆત આવશે તે સ્કૂલોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેર કટિંગ કરવામાં આવશે.