નડીયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાપુ અને સરદાર પટેલની પ્રતિમા આજે પણ આઝાદીની ઝાંખી કરાવે છે
પુજ્ય મોહનદાસ કરમચંદ ગાંધી આ નામની આસપાસ ભારતનો અનોખો ઇતિહાસ છુપાયેલો છે. આ હાડમાસના બનેલ આ માનવીને આઝાદીના ચળવળ સાથે નડીયાદ સાથે અનોખો નાતો રહ્યો છે. વિરો અને સાહિત્યકારો અને સાક્ષરોની આ ભુમિને મહાત્માએ વર્ષ ૧૯૧૬માં ૧૦ દિવસ માટે ખુંદી હતી. ત્યારથી તેઓ આ સાક્ષરનગરી નટપુર સાથે આત્માથી જોડાયેલા છે. ૧૯૧૬ એક એવો દિવસ જ્યારે પુજ્ય બાપુએ નડિયાદની ભુમિ પર પગ મુક્યો ત્યારે નગરજનોમાં અનેરો ઉત્સાહ નજરે ચડ્યો હતો. પુજ્ય બાપુને કેટલાય લોકો લેવા માટે બળદગાડા જોડી નડિયાદ રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. આ પ્રસંગને જોડતી તસ્વીર આજે પણ હિન્દુ અનાથ આશ્રમમાં જીવંત હોઇ તેવું લાગી રહ્યું છે. આજે નડિયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લેતા ધન્યતા અનુભવાય છે.
આ આશ્રમ જ્યાં પુજ્ય મહાત્મા ગાંધીજી ૧૦ દિવસ રોકાયા હતા. પુજ્ય ગાંધીજીની યાદો આજે પણ હિન્દુ અનાથ આશ્રમમાં તસ્વીરરૂપે જીવંત છે.આશ્રમની મુલાકાત દરમ્યાન નડીયાદમાં તા.૧૩-૧-૧૯૧૬માં રોકાણ દરમ્યાન આશ્રમ પર સોનેરી અભિપ્રાય આપતા કહ્યું હતુ કે, આ આશ્રમની પ્રખ્યાતિ મે ઘણા વખત થયા સાંભળેલીને ઘણા વખત થયા જોવાની ઇચ્છા હતી તે પુરી થઇ. તેની વ્યવસ્થા જોઇ હું બહુ રાજી થયો છુ ને વ્યવસ્થાપકોની નિસ્વાર્થતાએ મારા મન પર સરસ છાપ પાડી છે. આવું જીવનમય આશ્રમ આગળ થઇ શકે એવી ઇચ્છાથી મે મારી સુચનાઓ વ્યવસ્થાપક પાસે વિનયપુર્વક મુકી છે.
આશ્રમમાં વસવાટ કરી રોજબરોજની કાર્યવાહી જોઇ તે અંગે અગત્યની સુચનો કરી આશ્રમને દેશભરમાં પ્રસિદ્ધિ અપાવનાર રાષ્ટ્રપિતા પુજ્ય ગાંધીજી જેમની બ્રિટીશ સલ્તનત સામેની પ્રથમ લડત આ આશ્રમની ભુમિ પરથી જ શરૂ થઇ હતી. સન. ૧૯૧૦માં તૈયાર થયેલ પ્રથમ મકાનપુજ્ય ગાંઘીજીના વસવાટ દરમ્યાન તે મકાન પુજ્ય બાપુનું નિવાસ સ્થાન બન્યું હતુ.
ત્યારબાદ પુજ્ય સરદાર વલ્લભભાઇ પટેલ મિશનરીઓનો કેસ, ખેડા સત્યાગ્રહ, રંગરૂટની ભરતી, ગુજરાતની રેલ અને આશ્રમના વાર્ષિક ઉત્સવના પ્રમુખ તરીકે આ આશ્રમ સાથે સંકળાયેલા હતા. આજે પણ આશ્રમના પટ્ટાંગણમાં ગાંધી અને સરદારની પ્રતિમા આઝાદીના ચળવળની ઝાંખી કરાવે છે. આજે પણ આ આશ્રમમાં વિશાળ મકાનની પ્રતિકુતિ છે. તે મકાન સન ૧૯૧૦માં પુસ્તકાલય સ્વરૂપે બંધાયું હતુ.
આ મકાનની અંદર ઐતિહાસિક વારસો સમાયેલો છે. આ મકાન એટલે ખેડા સત્યાગ્રહનું આરંભબિંદુ. અહિથી જ પુજ્ય બાપુ તથા પુજ્ય સરદાર વલ્લભભાઇ પટેલે સન, ૧૯૧૭માં ખેડા સત્યાગ્રહની અહાલેક જગાવી હતી. આ મકાન ત્યારે સત્યાગ્રહ મંદિરના નામે સંબોધાતુ હતુ. આ મકાન કેટલાય નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓનું આશ્રયસ્થાન રહી ચુક્યું છે.