બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 જુલાઈ 2020 (12:45 IST)

નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરી 6 હજાર સાગરખેડુઓ દરિયો ખૂંદવા રવાના થયાં

લોકડાઉનમાં નર્મદાના નીર શુધ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે.લોકડાઉનના કારણે પણ નર્મદાના જળ શુદ્ધ બનતા આ સીઝન સારી જાય તેવી આશા માછીમારો રાખી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં 25 હજારથી વધુ માછીમારોએ બુધવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અને દૂગ્ધાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને 121 મીટર લાંબી ચૂંદડી ચઢાવી 1200 બોટમાં 6000 માછીમારો અંદાજિત 35 કિમી સુધી 7 દિવસ સમુદ્ર ખૂંદવા રવાના થઇ રહ્યાં છે. ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25 હજારથી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે. ભાડભૂતના નર્મદાકાંઠે બુધવારે સવારથી માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પહોંચી માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું. નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ બાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી નદીના જળમાં દુધનો અભિષેક કરી 121 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરીને તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી.  પૂજન અર્ચન બાદ માછીમારો નાવડીઓ લઇ 7 દિવસ દરીયામાં 35 કિમી સુધી હિલ્સા માછલી પકડે છે. હિલ્સા માછલી દર વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે. સુરત,મુંબઇ અને કલકત્તાના વેપારીઓ હિલ્સા માછલી ખરીદવા ધામા નાખે છે. આ માછલીની વિદેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે.