બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલાનો ફરીથી સર્વે થશે, ગામડાઓમાં ધ્યાન વધુ કેન્દ્રિત કરશે
ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવના કેસને ગંભીરતાથી લઈ ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બીજા તબક્કામાં હેલ્થ વિભાગની સાથે સેલ્ફ રિપોર્ટિંગથી લોકોની ખબર પૂછવામાં આવશે. ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય બાદ પણ લોકલ ટ્રાન્સમિશન અને ગામડાંઓમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી ગુજરાત સરકાર દ્વારા સર્વેનો બીજો રાઉન્ડ થશે. જેમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકોની માહિતી ના આધારે એમનો ટેસ્ટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરમાંથી ગામડામાં આવ્યા હોય અને તેમને તાવ કે શ્વાસની તકલીફ હોય તેમનો અલગથી ટેસ્ટ કરાશે. આ ઉપરાંત બીજા તબક્કાના આ સર્વેમાં તંત્ર ઘેર જઈને તપાસ કરે એ પહેલા જે તે વ્યક્તિ કે જેને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તેઓ સામેથી 104માં ફોન કરીને સારવાર માટે કહી શકે છે જેથી સેલ્ફ રિપોર્ટિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બીજા તબક્કામાં એક એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે, ફોનમાં IVR સિસ્ટમથી લોકોની ખબર પૂછવામાં આવશે, જેમાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાની તકલીફ જણાવી શકશે.