સુરત સિવિલ હોસ્પિટલના સ્ટાફે ઈમરજન્સીમાં રિક્ષામાં જ મહિલાની પ્રસુતિ કરાવી
સુરતની નવી સિવિલ હોસ્પિટલની બહાર આજે સવારે જ રિક્ષામાં પ્રસુતિ કરવાની ફરજ પડી છે. જોકે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફને જાણ થતાની સાથે જ ડોક્ટરો અને નર્સ બહાર આવી જઇ અને તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સૂઝબૂઝને કારણે બે જીંદગીઓ બચી છે. હાલ મહિલાની તબિયત સ્થિર છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલની બહાર પ્રસુતિ થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા કિસ્સાઓ બની ચુક્યાં છે. આજે સવારે પ્રસુતિ માટે રિક્ષામાં આવેલી મહિલા નવી સિવિલની બહાર આવતાની સાથે જ તેની રિક્ષામાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.કદાચ આ મહિલાને હોસ્પિટલ સુધી આવવામાં વાર થઇ હોવી જોઇએ. જેના કારણે તે હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેની પ્રસૂતિ કરવી પડી હતી.જોકે પ્રસૂતિ પીડાની ખબર મળતાની સાથે જ ડોક્ટરો અને નર્સ રિક્ષા પાસે દોડી આવ્યાં હતાં. જેના કારણે તરત જ સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રસૂતિ કરાવીને મહિલા અને બાળકને તરત જ અંદર લઇ જવામાં આવ્યાં હતાં.