માસ્ક ન પહેરનાર ગુજરાતના મંત્રીને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ
ગુજરાતના એક મંત્રીએને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશ કરતી વખતે માસ્ક ન પહેરવા બદલ બુધવારે 200 રૂપિયા દંડ ચૂકવવો પડ્યો હતો. કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે સરકારે ઘરેથી બહાર નીકળો એટલે માસ્ક લગાવવું અનિવાર્ય કરી દીધું છે. રાજ્યમાં કોરોના વાયરસ 1534 લોકોનો જીવ લઇ ચૂક્યો છે. સ્થાનિક સમાચાર ચેનલોએ બતાવ્યું હતું કે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ માસ્ક પહેર્યા વિના મુખ્યમંત્રી કાર્યલયમાં પ્રવેશ કરી રહ્યા છે.
કેબિનેટ બેઠકમાં આવેલા અન્ય મંત્રીઓએ માસ્ક લગાવ્યું હતું. ઇશ્વરસિંહ પટેલ પાસે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક ગતિવિધિઓ અને સહકારિતા વિભાગનો સ્વતંત્ર હવાલો છે. સ્થાનિક ચેનલો દ્વારા બતાવવામાં આવ્યા બાદ ગાંધીનગર કોર્પોરેશને તેમના પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કેબિનેટ બેઠક બાદ ઇશ્વરસિંહ પટેલએ દંડ ભર્યો અને પત્રકારોને ચલણ બતાવ્યું હતું.
ઇશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે આ અજાણતાં થયું છે. મેં માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ભર્યો છે. હું હંમેશા માસ્ક પહેરું છું. જ્યારે હું કારમાંથી બહાર નિકળ્યો તો માસ્ક લગાવવાનું ભૂલી ગયો હતો. પછી મને મારી ભૂલનો અહેસાસ થયો.