મેટ્રો રેલ પ્રોજેક્ટમાં રોકાણ માટે જર્મની અને ફ્રાન્સની બેન્કોએ કેટલો રસ દાખવ્યો
ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સાકાર કરવા માટેની ગતિવિધી તેજ બની છે. આ પ્રોજેક્ટમાં આર્થિક રોકાણ કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ આગળ આવી છે. ગુરુવારે જર્મની અને ફ્રાન્સની જાયન્ટ બેંકોના 10 પ્રતિનિધિ મંડળે પાલિકાની મુલાકાત લીધી હતી. મેટ્રો રેલ પ્રોજેક્ટના સૂચિત સ્ટેશન અને રૂટમાં આવતા વિસ્તારોનો પણ તાગ મેળવ્યો હતો. બે ફેઝમાં તૈયાર થનારા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ કરતાં પણ સૌથી ઓછી જમીન સંપાદન કરવાની રહે છે તેથી સુરતમાં પ્રોજેક્ટ ઝડપથી પ્રોજેક્ટ સાકાર થઈ શકશે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.સુરત શહેરની મુલાકાતે આવેલા જર્મનીની કે.એફ.ડબલ્યુ ડેવલપમેન્ટ બેન્ક તેમજ ફ્રાન્સની ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી બેન્કના 10 પ્રતિનિધિઓએ શહેરના બી આર ટી એસ ટી બસ સર્વિસ જેવા સામૂહિક પરિવહનના પ્રોજેક્ટની પણ વિકેટ લીધી હતી. સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફેબ્રુઆરી 2016માં ડીએમઆરસી(દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન) એ ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનું કામ હાથ પર લીધું હતું. કુલ બે ફેઝમાં સાકાર થનારા સુચિત પ્રોજેક્ટના રૂપિયા 12020 કરોડના ખર્ચ અંગેના ડીપીઆર પર ગત તારીખ 9 માર્ચ 2019 ના રોજ કેન્દ્ર સરકારે મંજુરીની મહોર મારી હતી. હજી પ્રોજેક્ટ અંગે ડીટેઈલ ઈન્વેસ્ટીગેશન ડીએમઆરસી કરી રહી છે. મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ થનારા ખર્ચ અંગે નાણાંકીય સહાયની જરૂરિયાત હોય ફ્રાન્સ અને જર્મનીની મોટી બેંક દ્વારા તેમાં રોકાણ કરવા માટેનો રસ દાખવવામાં આવ્યો છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ અગ્રગણ્ય નાણાંકીય સંસ્થાઓમાં જર્મનીની કે.એફ.ડબલ્યુ ડેવલપમેન્ટ બેન્ક તેમજ ફ્રાન્સની ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી બેન્કના કુલ 10 પ્રતિનિધિઓ સુરત મહાપાલિકાની મુલાકાતે આવ્યાં હતાં. જર્મનીની કે.એફ.ડબલ્યુ ડેવલપમેન્ટ બેન્ક તેમજ ફ્રાન્સની ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી બેન્કના પ્રતિનિધિઓએ સુરત મેટ્રોના બંને કોરીડોરની સ્થળ મુલાકાત કરી હતી. વિઝીટ બાદ તેમની સાથે પાલિકા કમીશનર બંછાનિધિ પાની સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમે સુડા ખાતે સંકલન બેઠક પણ યોજી હતી. તેમાં, ફાયનાન્સીયલ, પર્યાવરણલક્ષી અસરો, ડ્રીમ સીટી તથા બીઆરટીએસ અને સિટી લિંક સાથે જોડાણ સહિતની બાબતોને ચકાસી હતી.કોરીડોર-૧ સરથાણા વરાછાથી શરૂ થઈને નાના વરાછા, રેલ્વે સ્ટેશન, ચોક, મજુરાગેટ, ભટાર ચાર રસ્તા, સરથાણા એક્ઝીબિશન સેન્ટર, ખજોદ ચાર રસ્તાથી ડ્રીમસિટી સુધી રહેશે. જ્યારે કોરીડોર-2 ભેંસાણથી સારોલી 18.47 કિલોમીટર એલીવેટેડ રહેશે. જેમાં 18 સ્ટેશન આવશે જે તમામ એલીવેટેડ રહેશે. આ કોરીડોરમાં ભેસાણથી શરૂ થઈ ને ઉગત, મધુવન સર્કલ, અડાજણ, મજુરાગેટ, કમેલા દરવાજા, પરવટ પાટિયાથી સારોલી સુધી જશે.