આઇ.જી.પી. મરીન ટાસ્ક ફોર્સ હવે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સ તરીકે ઓળખાશે
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આઇ.જી.પી. કોસ્ટલ સિક્યુરીટી જગ્યાને અપગ્રેડ કરાઇ
: રાજ્યના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારાની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા માટે તથા દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તેને રોકવા માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. દરિયાઇ સુરક્ષાનું સીધુ મોનીટરીંગ હવે એડી. ડી.જી.પી. અને ડી.જી.પી. કક્ષાના અધિકારીના સીધા મોનીટરીંગ હેઠળ દેખરેખ રખાશે.
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જન સુરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષા માટે કોઇ સમાધાન કર્યું નથી, અને કરશે પણ નહીં. દરિયાકાઠે કોઇપણ જાતના અસામાજીક તત્વો ઘુસી ન જાય તથા કોઇપણ પ્રકારનું અપકૃત્ય ન કરે તે માટે આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેમણે ઉમેર્યું કે દરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીની તમામ કામગીરી એડી.જી.પી./ડી.જી.પી. મરીનને સોંપાશે. આ માટે જગ્યા અપગ્રેડ કરીને સુદ્રઢ વહીવટી માળખું પણ ગોઠવવામાં આવશે.
હાલની IGP/ATS/IG મરીન ટાસ્ક ફોર્સ અને IGP કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પણ ADGP/DGP નું સીધું નિયંત્રણ રહેશે. ADGP (ATS)નું નામાભિધાન પણ બદલીને હવે એ.ટી.એસ. કોસ્ટલ સીક્યુરીટી રખાશે. તથા આઇ.જી.પી. મરીને ટાસ્ક ફોર્સનું નામ પણ બદલીને હવે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે રહેશે. જે સીધા ADGP /DGP – ATS અને કોસ્ટલ સીક્યુરીટીના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરશે.
તેમણે કહ્યું કે ADGP /DGP – ATS ના સીધા નિયંત્રણ હેઠળ ત્રણ એસ.પી. કક્ષાના અધિકારીઓ કામ કરશે. તે પૈકી બે એસ.પી. (એ.ટી.એસ.), આઇ.જી.પી.(એ.ટી.એસ.) ના નિયંત્રણ હેઠળ કામ કરશે. સાથે સાથે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સના નિયંત્રણ હેઠળ એસ.પી. ચેતક કમાન્ડો અને એસ.પી. મરીન ટાસ્ક ફોર્સ કામ કરશે. તથા આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીના નિયંત્રણ હેઠળ એસ.પી. કોસ્ટલ સીક્યુરીટી પણ કામ કરશે. આ નવિન સંપૂર્ણ માળખાનું સંપૂર્ણ મોનીટરીંગ અને નિયંત્રણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી કરશે.