શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2024 (16:00 IST)

ગુજરાત સરકારે કહ્યું 'એક મહિનામાં 500થી વધુ ગેરકાયદેસર ધાર્મિકસ્થળ તોડી પાડ્યાં

gujarat court
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે તેણે ગત એક મહિના દરમિયાન જાહેરસ્થળો ઉપર બાંધવામાં આવેલાં 503 ધાર્મિકમાળખાં તોડી પાડ્યાં છે.
 
સરકારના જવાબ મુજબ, 267 માળખાં મહાનગરપાલિકાઓના હદવિસ્તારમાં આવતાં હતાં, જ્યારે 263 જિલ્લાઓમાં આવેલાં હતાં. સત્તાધીશોએ બે માળખાંને નિયમિત કરી આપ્યાં હતાં, જ્યારે 28ને સ્થાનાંતરિત કર્યાં છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બૅન્ચ સમક્ષ રજૂઆત કરતા ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જાહેરરસ્તા, બગીચા કે અન્ય સાર્વજનિકસ્થળોએ બાંધવામાં આવેલાં બે હજાર 975 ધાર્મિકસ્થળોને નોટિસો કાઢવામાં આવી છે.
 
જેમાંથી બે હજાર 21 મ્યુનિસિપલના જ્યારે 954 જિલ્લાના હદવિસ્તરોમાં આવેલા છે. આ ધાર્મિકમાળખાંને શાંતિપૂર્વક હઠાવી દેવાં અથવા તોડી પાડવાં માટે સત્તાધીશોએ ધાર્મિકનેતાઓ સાથે બેઠકો પણ કરી હતી.
 
ઍપ્રિલ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે સાર્વજનિકસ્થળોએ બાંધવામાં આવેલાં ગેરકાયદેસર ધાર્મિકમાળખાંને તોડી પાડવા માટે રાજ્ય સરકારને ત્રણ મહિનાની મુદ્દત આપી હતી. જોકે, બે મહિના દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી સરકાર ગત એક મહિના દરમિયાન જ કાર્યવાહી કરી શકી હતી.
 
રાજ્ય સરકાર દ્વારા જાહેરસ્થળોએ ધાર્મિકસ્થળ ન બને તથા આવાં દબાણો હઠાવવાં માટે સમિતિઓ બનાવવામાં આવી છે અને નૉડલ ઓફિસર નિમવામાં આવ્યા છે. હાઈકોર્ટે કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારને બે મહિનાનો સમય આપ્યો છે.