શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (08:31 IST)

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Gujarat  package of 1419 crores for farmers- ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કૅબિનેટની એક બેઠક મળી હતી. જેમાં ઑગસ્ટ-2024માં રાજ્યમાં જે ભારે વરસાદ થયો હતો તેને કારણે થયેલા નુકસાનને પગલે ખેડૂતો માટે કૃષિ રાહત-સહાય પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે.
 
આ નિર્ણયની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જાહેર કરેલી એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે,“ઑગસ્ટમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને સહાયરૂપ બનવા માટે ગુજરાત સરકારે 1419.62 કરોડની રકમનું રાહત પૅકેજ જાહેર કર્યું છે. જે પૈકી 1097.31 કરોડ એસડીઆરએફ હેઠળ અને રાજ્યના બજેટમાંથી 322.33 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.”
 
“અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તથા નુકસાનની તીવ્રતાને ધ્યાને લઈને રાજ્યના ભંડોળમાંથી વધારાના 322.33 કરોડની ટૉપ-અપ સહાય પણ આપવામાં આવશે.”
 
રાહત પૅકેજની વિગતો આપતા તેમણે કહ્યું, “પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર એમ 20 જિલ્લાઓ મળીને કુલ 136 તાલુકાના કુલ 6812 ગામો અસરગ્રસ્ત થયાં હતાં.”
 
“એસડીઆરએફના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા સાત લાખથી વધુ ખેડૂતોને મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે.”
 
“ભારે વરસાદથી 33 ટકા નુકસાન પામેલા કુલ 8,83,000 હેક્ટર વિસ્તાર માટે આ સહાય પૂરી પાડવામાં આવશે.”
 
સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પૅકેજ અંગે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસે કહ્યું છે કે ગુજરાત સરકારે વધુ મદદ કરવી જોઈતી હતી.
 
પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું, “સરકાર ઉદ્યોગપતિઓનાં દેવાં માફ કરે છે પરંતુ ખેડૂતોને સહાય આપવામાં કચાશ કરે છે. સરકારે આટલું નજીવું પૅકેજ જાહેર કરીને ખેડૂતોની મજાક ઉડાવી છે.”
 
તેમણે રાજ્યના 104 તાલુકામાં નિયમોનુસાર લીલો દુકાળ જાહેર કરવાની માગ પણ કરી અને સાથે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવાની માગ પણ કરી.