કોંગ્રેસનો કકળાટ યથાવત્ - નવા માળખાની રચના પહેલાં વિખવાદ ચરમસિમાએ
ગુજરાત કોંગ્રેસના નવા માળખાની રચના પહેલાં જ અંદરોઅંદર વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. સિનિયર નેતાઓએ ફરિયાદોનો સૂર છેડતાં યુવા નેતાગીરી ય છંછેડાઇ છે. સિનિયર નેતાઓને હવે હોદ્દાઓનો ચસકો લાગ્યો છે.તેમને સંગઠનમાં નહીં બલ્કે અન્ય રાજ્યમાં પ્રભારી જેવા હોદ્દાઓ આપવા ડિમાન્ડ કરી છે.સૂત્રો કહે છે કે,રાહુલ ગાધીએ ગુજરાત કોંગ્રેસનું સુકાન હવે યુવા નેતાગીરીનો સોંપ્યુ છે જેના પગલે સિનિયર નેતાઓ અકળાયાં છે. અમિત ચાવડાની નિયુક્તિને સિનિયર નેતાઓ સ્વિકારવા જ તૈયાર નથી.આ કારણોસર હવે યુવા નેતાઓ સક્ષમ નથી તેવુ પ્રસ્થાપિત કરવા સિનિયર નેતાઓ મેદાને પડયાં છે. કાર્યક્રમોમાં ય સિનિયર નેતાઓના ઇશારે તેમના સમર્થકો જતાં નથી પરિણામો કોંગ્રેસના સંગઠનાત્મક કાર્યક્રમો બિનઅસરકારક બની રહ્યાં છે. યુવા પ્રદેશ પ્રમુખની કાર્યકરો પર પક્કડ નથી તેવુ સાબિત કરવા મથામણ ચાલી રહી છે. કેટલાંય સિનિયર નેતાઓ અત્યારે સુષુપ્ત અવસ્થામાં બેસી રહ્યાં છે. શક્તિસિંહ ગોહિલની બિહારના પ્રભારી તરીકે નિયુક્તિ કરાયા બાદ અન્ય સિનિયર નેતાઓને સ્ટેટસ મુજબનો હોદ્દો જોઇએ છે. સિનિયર નેતાઓએ દિલ્હી દરબારમાં ફરિયાદો કરવા માંડી છેકે, કોંગ્રેસમાં એકહથ્થુ શાસન ચાલી રહ્યુ છે. મળતિયાઓને હોદ્દા આપવાની શરુઆત થઇ ચૂકી છે. માસલિડર ન હોય,માત્ર હોદ્દા ભોગવનારાંને ય હોદ્દા ફાળવીને પ્રદેશ કોગ્રેસની ઓફિસમાં કેબિનો ફાળવી દેવામાં આવી છે.
સોમવારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા ધાનાણી રાહુલ ગાંધીને મળીને સિનિયર નેતાઓની હરકતથી વાકેફ કરશે.એટલું જ નહીં, કાં તો હોદ્દા આપીને ઠેકાણે પાડો અથવા સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ આપો તેવી રજૂઆત કરવામાં આવનાર છે.આમ,સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચેનો આંતરિક જંગ જામતા ખુદ પ્રદેશ પ્રભારીએ મધ્યસ્થી કરવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધી 15-20 જૂને ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 15થી 20 જૂન સુધીમાં ગુજરાતની એક દિવસીય મુલાકાતે લે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. સોમવારે અમિત ચાવડા રાહુલ ગાંધીને આ કાર્યક્રમ માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપે તેવી ચર્ચા છે. લોકસભાની ચૂંટણીને પગલે જનમિત્ર કાર્યક્રમ થકી કોંગ્રેસી કાર્યકરોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધીને ગુજરાત બોલાવવા નક્કી કરાયુ છે