સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (12:41 IST)

ગુજરાતની 6 સીટો પર મતદાન, ઇવીએમમાં કેદ થયું ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનું ભાવિ

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી સાથે સાથે સોમવારે ગુજરાત વિધાનસભાની 6 સીટો પર પણ મતદાન પૂર્ણ થઇ ગયું છે. બનાસકાંઠા જિલ્લાની થરાદ, પાટણની રાધનપુર અને મહેસાણાની ખેરાલુ, અરવલ્લીની બાયડ, અમદાવાદની અમરાઇવાડી અને મહિસાગરની લુનાવાડા વિધાનસભા સીટ પર મતદાન પુર્ણ થઇ ગયું છે. અહીં થરાદ સીટ પર સૌથી વધુ 65 ટકા અને અમરાઇવાડી સીટ પર સૌથી ઓછું 31 ટકા મતદાન થયું હતું. 
 
રાજ્યની 6 વિધાનસભા સીટો પર મતદાન ખૂબ ધીમી ગતિએ શરૂ થયું હતું પરંતુ સમયની સાથે તેમાં થોડો વધારો થયો હતો. વોટિંગની ટકાવારીની વાત કરીએ તો થરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 57.81 ટકા, અમરાઇવાડીમાં 31.53 ટકા અને લુનાવાડામાં 47.54 ટકા મતદાન થયું હતું. 
 
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં બધાની નજર મંડાયેલી છે. અહીં ફોકસ રાધનપુર અને બાયડ પેટાચૂંટણી પર છે. રાધનપુરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. બાયડમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલે મતદાન કર્યું અને બંનેએ પોતાની જીતના દાવા રજૂ કર્યા છે.  
 
તો બીજી તરફ રાધનપુરના બંને ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ અહીં મતદાન કરી શક્યા ન હતા, કારણ કે બંને સ્થાનિક નથી અને તેમના મતવિસ્તારમાં આ ક્ષેત્ર નથી. રાધનપુર સીટ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર જીતીને આવેલા અલ્પેશ ઠાકોર હવે જૂની પાર્ટી છોડીને ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અલ્પેશ ઠાકોર પેટાચૂંટણી જીતીને વિજય રૂપાણી સરકારમાં મંત્રી બનવાનું સપનું જોઇ રહ્યા છે. પેટાચૂંટણીના પરિણામોની અસર અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. 
 
બાયડની સીટ પણ ખૂબ મહત્વપૂર્ણ થઇ ગઇ છે કારણ કે આ સીટ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને અહીં ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. પરંતુ ધવલસિંહ ઝાલા હવે કોંગ્રેસ છોડીને ભાજપમાંથી ચૂંટણી જીતી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જીતીને આવેલા ભાજપ માટે આ વખતે તમામ 6 સીટો જીતવી પડકારથી ઓછું નથી. 
 
કેમ યોજાઇ પેટાચૂંટણી
અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી.
બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.