Gujarat Budget - ગુજરાતમાં વ્હિસ્કી, બિયર, વાઇન, રમ જેવી ચીજો મોંઘી થશે
ગુજરાત વિધાનસભામાં મંગળવારે રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યમાં વિદેશી સહેલાણીઓ અને પરમિટધારકો માટે વેચવામાં આવતા વ્હિસ્કી, બિયર, વાઇન અને રમ પર નાખવામાં આવેલા કરવેરામાં વધારો ઝીંક્યો છે. આનાથી સરકારને રૂ.૧૦૬.૩૨ કરોડની આવક થવાનો અંદાજ મુકાયો છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પછી હવે કરવેરામાં કોઇ ફેરફાર રાજ્ય સરકાર કરી શકે તેમ નથી. બીજી તરફ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ અત્યંત વધારે હોવાથી એમાંથી આવક મેળવવાને બદલે રૂપાાણી સરકારે પરમિટ ધારકો દ્વારા સરકારી દુકાનો પરથી ખરીદવામાં આવતા દારૂ અને બિયર પરના વેરામાં વધારો ઝીંક્યો છે.
નાણાંપ્રધાને જણાવ્યું હતું કે, બિયર અને વાઇન સિવાયના સ્પિરિટ પર અત્યાર સુધી આબકારી જકાત પ્રતિ લીટરે રૂ.૧૦૦ લેવામાં આવતી હતી, જે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ૩૦૦ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે બિયર પર આબકારી જકાત પ્રતિ લિટરે ૨૫ રૂપિયા હતી તે વધારીને સ્ટ્રોંગ બિયર પર ૬૦ અને માઇલ્ડ બિયર પર રૂ. ૩૩ વધારવા બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ફી વાઇન અને બિયર સિવાયના સ્પિરિટ પર હાલ બે રૂપિયા ફી લેવાતી હતી, જે વધારીને ૧૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. જ્યારે વાઇન પર ટ્રાન્સપોર્ટેશન અને સ્પેશિયલ ફી એક રૂપિયાથી વધારી પાંચ કરી છે. જ્યારે સ્પિરિટ પર એક લિટરે સ્પેશિયલ ફી ૨૫ હતી તે વધારીને ૧૩૫, વાઇન પર ૧૫ રૂપિયાથી વધારીને ૪૫ કરી છે. સીએસડી કેન્ટિનમાં મળતા રમ સિવાયના સ્પિરિટ પર આબકારી જકાતના દર પ્રતિ લીટરે ૭૫ રૂપિયા હતા તે વધારીને ૨૨૫, રમ પર ૨૫ રૂપિયા જકાત વધારીને ૭૫ રૂપિયા, વાઇન (૧૭ ટકાથી ઓછી) પર જકાત ૧૦ રૂપિયાથી વધારી ૩૦ અને ૧૭ ટકાથી વધારે સ્ટ્રેન્થવાળી વાઇન પર જકાત ૭૫ રૂપિયાથી વધારીને ૨૨૫ કરાવાનો પ્રસ્તાવ મુકાયો છે.
જ્યારે વિદેશી આયાત કરવામાં આવતા દારૂ પર વેચાણ કિંમત રૂ. ૧૫૦૦ હોય પ્રતિ લીટરે સ્પેશિયલ ફી ૫૦૦ રૂપિયા પ્રસ્તાવિત કરાઈ છે. જ્યારે વેચાણ કિંમત ૧૫૦૦થી ૬૦૦૦ હોય તો સ્પેશિયલ ફી રૂ.૨૦૦૦ પ્રસ્તાવિત કરવામાં આવી છે. જો વેચાણ કિંમત ૬૦૦૦થી વધારે હોય તો પ્રતિ લીટર સ્પેશિયલ ફી ૮૦૦૦ કરાશે. જ્યારે વિદેશથી આયાત થતા માઇલ્ડ બિયર પર સ્પેશિયલ ફી પ્રતિ લીટરે ૩૩ અને સ્ટ્રોંગ વિદેશી બિયર પર લીટરે ૪૨ રૂપિયાની સ્પેશિયલ ફી વસૂલ કરવામાં આવશે