સી.આર. પાટીલ રાજકોટમાં, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ગયા છે અને ભાજપના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા બહારગામ જતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે, અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી, પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે, સૌરાષ્ટ્ર યુનિ.માં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવાશે.
ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તો ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા.
રાજકોટમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલનો 20મીનો કાર્યક્રમ અગાઉથી જાહેર થઇ ગયો હતો અને પાટીલની હાજરીમાં 20મીએ કાર્યકર્તા સ્નેહમિલન યોજાવાનું હતું, પરંતુ 15મીએ શહેર ભાજપે સ્નેહમિલન યોજી નાખ્યું હતું અને એમાં જે રીતે સિનિયર નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ એના બીજા જ દિવસે પાટીલની હાજરીમાં યોજાનારું સ્નેહમિલન રદ કરવાની જાહેરાત થઇ હતી.