ધોરણ 10ના અંગ્રેજી વિષયના પેપરમાં ‘હાઉડી મોદી’ અંગે 4 માર્કનો પ્રશ્ન પુછાયો
ગુરુવારે શરૂ થયેલી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા દિવસે ધો. 10 અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયની પરીક્ષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમ થયેલો અનુભવ લખો તે વિષય પર આધારિત 4 માર્કનો ડાયરી અંગે પ્રશ્ન પુછાયો હતો.
ધો. 10 અંગ્રેજી વિષય અંગે નિષ્ણાત શિક્ષક સચિન નાયક અને પંકજ શુક્લએ જણાવ્યું કે, આ સાથે જ 7 માર્કસનો ચંન્દ્ર યાન-2 ભારતનું ગૌરવ, ઓનલાઈન-ઓફલાઈન શોપિંગેનો નિબંધ પૂછાયો હતો. ડાયરી અંગેનો ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન સાથે થયેલા સંવાદનો અનુભવ લખો સહિતના પ્રશ્નો પૂછાયા હતા. બીજી તરફ ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષયમાં રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ બચાવો, પ્રવાસનું જીવનમાં સ્થાન જેવા નિબંધ પુછાયા હતા. વ્યાકરણમાં 1 માર્કનો ‘પૃથ્વી છંદ’ કોર્સ બહારનો પૂછાયો હતો.
શિક્ષણ બોર્ડની ધો.10ની ગુજરાતી, અંગ્રેજી વિષયની પરીક્ષાના પ્રશ્નો સરળ હતા. જ્યારે ધો 12 સાયન્સ ફિઝિક્સ, ધો. 12 કોમર્સની પરીક્ષાના પ્રશ્નો પણ સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ હતા. ફિઝિક્સ અંગે વિષય નિષ્ણાત શિક્ષક પુલકિત ઓઝાએ કહ્યું કે, 12 સાયન્સ ફિઝિક્સનના પેપરમાં એમસીક્યુ ખૂબ જ સરળ હતા. ગણતરીવાળા પ્રશ્નો ઓછા હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ નહતી પડી. પ્રશ્નપત્રમાં એનસીઈઆરટીનો નવો કોર્સ હોવાથી વિદ્યાર્થીઓમાં જે ડર હતો, તે આવા સરળ પ્રશ્નોથી દૂર થયો હતો. જ્યારે ધો. 12 કોમર્સ નામાના મૂળતત્વો અંગે વિષય નિષ્ણાત શિક્ષક કપિલ ટેવાણીએ કહ્યું કે, સેકશન-એમાં બહુવિકલ્પ પ્રશ્નો અત્યંત સરળ હતા.