જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં ઇકો મશીનમાં આગ લાગી, 10 દર્દીને રેસ્ક્યુ કરાયાં
જામનગરની જી.જી.હૉસ્પિટલ માં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ICUની બાજુમાં રૂમમાં રહેલા એક રૂમમાં ઇકો મશીનમાં આગ લાગી છે. જે બાદમાં ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું. આગને કારણે ઇકો મશિન બળીને ખાખ થઈ ગયું છે. અહીં રાખવામાં આવેલા બેડ પણ બળીને ખાખ થઈ ગયા છે. સદનસિબે આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જામનગર મ્યુનિસિપલ કમિશનર, જામનગર કલેક્ટર, ચીફ ફાયર ઓફિસર તેમજ રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. જી.જી. હૉસ્પિટલ જામનગરની ખૂબ જ મહત્ત્વની હૉસ્પિટલ છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અહીં જ કોરોનાના દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.આ મામલે હૉસ્પિટલ ખાતે દોડી આવેલા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આગ બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે. અચાનક શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. આગથી કોઈ નુકસાન થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં નથી આવ્યું. આ મામલે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગ બાદ અંદરથી તમામ લોકોને કાઢી લેવામાં આવ્યા છે.જી.જી. હૉસ્પિટલ પહેલા ઇરવીન હૉસ્પિટલ નામે ઓળખાતી હતી. અહીં સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. આ હૉસ્પિટલ ખાતે જ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આગ હૉસ્પિટલના પ્રથમ માળે લાગી હતી. અહીં બાજુમાં જ આઈસીયૂ વોર્ડ આવેલો છે. આગ લાગ્યા બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે આગનો ધૂમાડો હૉસ્પિટલના પરિસરમાં ફરી વળ્યો હતો.આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો તેમજ અંદર રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ હૉસ્પિટલનું બિલ્ડિંગ રાજાશાહી વખતનું છે. આગની ઘટના બાદ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુના પીએ પણ અહીં દોડી આવ્યા હતા.